Ahmedabad News : અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે ભીમજીપુરા વિસ્તારમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ-૩ની કચેરીમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને મેન્ટેનન્સ સર્વેયર વશરામભાઈ સોનાભાઈ ચૌધરી અને એક ખાનગી વ્યક્તિ બ્રિજેન્દ્ર બ્રિજબિહારી શુક્લાને રૂ. 7,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ACBને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી હતી કે તેઓ કન્સલ્ટન્સીનું કામ કરે છે અને તેમના ક્લાયન્ટની ત્રણ પ્રોપર્ટી કાર્ડમાં નોંધણી કરાવવા માટે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ-૩માં અરજી કરી હતી. ફરિયાદીએ જરૂરી દસ્તાવેજો ઓફિસમાં જમા કરાવ્યા બાદ આરોપી વશરામભાઈ ચૌધરીએ ફરિયાદીને ફોન કરીને ઓફિસ બોલાવ્યા હતા.
ફરિયાદી ઓફિસ પહોંચતા આરોપી વશરામભાઈએ એક અરજીની નોંધણી માટે રૂ. 3,000ની માંગણી કરી હતી. રકઝકના અંતે વાતચીત રૂ. 2,500 પ્રતિ અરજી પર નક્કી થઈ હતી, આમ કુલ ત્રણ અરજી માટે રૂ. 7,500ની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ શહેર ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ACB દ્વારા આજે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજન મુજબ, ફરિયાદીએ આરોપી વશરામભાઈ સાથે વાતચીત કરી અને આરોપીએ રૂ. 7,500ની લાંચની રકમ સ્વીકારીને આરોપી નંબર (૨) બ્રિજેન્દ્ર શુક્લાને આપી દીધી. બ્રિજેન્દ્ર શુક્લાએ તે રકમ પોતાની ઓફિસના ટેબલની ફાઈલમાં મૂકી દીધી હતી. ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો હોવાનું જણાયું છે.
આ સફળ ટ્રેપ ઓપરેશન પો.ઇન્સ. વી.ડી.ચૌધરી, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે., અમદાવાદના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનિશ નિયામક કે.બી.ચુડાસમા, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
