Morbi News/ મોરબી સિરામિક ઉદ્યોગ સંકટમાં, શ્રમિકો વતન તરફ વળ્યા

મોરબીની Ceramic Industry સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળી રહી છે

Gujarat Top Stories Others
સિરામિક ઉદ્યોગ (Ceramic Industry)પર ગેસની અછતનો ગંભીર પ્રભાવ પડ્યો છે

Morbi News : મોરબી (Morbi)જિલ્લાના આસપાસ આવેલા સિરામિક ઉદ્યોગ (Ceramic Industry)પર ગેસની અછતનો ગંભીર પ્રભાવ પડ્યો છે. પ્રોપેન ગેસ અને નેચરલ ગેસની સપ્લાય છેલ્લા લગભગ 15 દિવસથી ખોરવાઈ જતાં એક પછી એક કરીને સિરામિકના કારખાના બંધ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા સિરામિક કારખાના બંધ થઈ ગયા છે, જેના કારણે હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે. રોજગાર ગુમાવતા પરપ્રાંતિય શ્રમિકો હવે પરિવાર સાથે પોતાના વતન પરત જવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે વાંકાનેર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રોપેન ગેસની અછતથી સિરામિક ઉદ્યોગ ઠપ

મોરબી વિસ્તારમાં આવેલા સિરામિક ઉદ્યોગો(Ceramic Industry)માં મુખ્યત્વે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. જોકે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ જતાં કારખાનાઓ ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે. શરૂઆતમાં લગભગ 200 જેટલા કારખાના બંધ થયા હતા, જ્યારે છેલ્લા બે-ત્રણ દિવસમાં વધુ 50 કારખાના બંધ થતા કુલ સંખ્યા 250 સુધી પહોંચી ગઈ છે. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ માહિતી આપી હતી.

પેપર મિલ અને પોલીપેક ઉદ્યોગ પર પણ અસર

મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઈમ્પોર્ટેડ વેસ્ટ પેપર મળતું ન હોવું અને કોલસાના ભાવમાં વધારો થવાને કારણે કેટલીક પેપર મિલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં ભારે વધારો થતા કેટલાક પોલીપેક કારખાનાઓ પણ બંધ થયા છે. પરિણામે અનેક શ્રમિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

‘રોજગાર ગુમાવ્યો, હવે પરિવાર સાથે વતન જવું પડશે’

મૂળ બિહારના રહેવાસી અને મોરબીના સિરામિક કારખાનામાં લાઇનમેન તરીકે છેલ્લા આઠ વર્ષથી કામ કરતા મનીષ કુમાર શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે અચાનક ગેસ સપ્લાય બંધ થતા કારખાનાં બંધ થઈ ગયા છે અને તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. હાલ રોજગાર ન મળતા તેઓ પરિવાર સાથે પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે.

‘અમારું 15 લોકોનું ગ્રુપ હતું, હવે બધા બેરોજગાર’

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી આવેલા શ્રમિક રાજુભાઈએ જણાવ્યું હતું કે તેઓ 15 લોકોના ગ્રુપ સાથે કોન્ટ્રાક્ટ પર સિરામિક કારખાનામાં કામ કરતા હતા. પરંતુ અચાનક કારખાનાં બંધ થતા બધા જ બેરોજગાર બની ગયા છે. આર્થિક મુશ્કેલીઓ ટાળવા માટે તેઓ હવે પોતાના વતન પરત જઈ રહ્યા છે.

વાંકાનેર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો

વાંકાનેર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર ધર્મેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ મોરબીમાં કારખાનાં બંધ થતાં પરપ્રાંતિય શ્રમિકો (Workers)મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે. જેના કારણે સ્ટેશન પર સામાન્ય દિવસોની સરખામણીએ મુસાફરોની સંખ્યા લગભગ ચાર ગણો વધી ગઈ છે. ટિકિટ લેવા માટે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.

કારખાનાં ફરી ક્યારે શરૂ થશે?

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ગેસની અછતને કારણે લગભગ ઠપ થઈ ગયો છે. જેના કારણે લાખો શ્રમિકોની રોજગારી પર અસર પડી છે અને પરોક્ષ રીતે અનેક નાના ધંધા પણ પ્રભાવિત થયા છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે મોરબીના કારખાનાં ફરી ક્યારે શરૂ થશે અને વતન પરત ગયેલા શ્રમિકો ક્યારે પાછા કામ પર ફરશે.


આ પણ વાંચો : મોરબીના સિરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર, ચીનથી આયાત થતી ટાઇલ્સ પર ડ્યૂટી, એન્ટીડમ્પીંગ ડ્યૂટી લગાવવા કેન્દ્રનો નિર્ણય, પ્રતિ સ્કવેરફૂટ 10 રૂ. ટેક્સ લેવા નિર્ણય, દક્ષિણના

આ પણ વાંચો : રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો, મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિને ચૂનો લગાડનાર બે ઝડપાયા

આ પણ વાંચો : મોરબીના કયુટન સિરામિક ગ્રુપ પર આયકર વિભાગના દરોડા