વિવાદ/ મહારાષ્ટ્ર બાદ હવે લાઉડસ્પીકરનો વિવાદ આ રાજ્યમાં પહોંચ્યો, હિન્દુ નેતાએ અભિયાન શરૂ કર્યું

જો લાઉડસ્પીકર અંગે કોર્ટના આદેશનું પાલન નહીં કરવામાં આવે તો 9 મેથી કર્ણાટકના મંદિરોમાં લાઉડસ્પીકરથી ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે

Top Stories India
6 5 મહારાષ્ટ્ર બાદ હવે લાઉડસ્પીકરનો વિવાદ આ રાજ્યમાં પહોંચ્યો, હિન્દુ નેતાએ અભિયાન શરૂ કર્યું

મહારાષ્ટ્રની તર્જ પર કર્ણાટકમાં પણ લાઉડસ્પીકરને લઈને અભિયાન શરૂ થઈ ગયું છે. શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે 15 દિવસ પહેલા ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર અંગે કોર્ટના આદેશનું પાલન નહીં કરવામાં આવે તો 9 મેથી કર્ણાટકના મંદિરોમાં લાઉડસ્પીકરથી ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

હિન્દુ નેતાના આ અભિયાન હેઠળ કર્ણાટકના જુદા જુદા ભાગોમાંથી લાઉડસ્પીકરના વિરોધમાં ભજન કીર્તનની તસવીરો આવવા લાગી છે. શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે પોતે મૈસુરમાં આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે મૈસૂર જિલ્લાના એક મંદિરમાં સવારે 5 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે દાવો કર્યો હતો કે મસ્જિદોમાં અઝાન સામે 1,000થી વધુ મંદિરોમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.

કર્ણાટક પોલીસ હાઇ એલર્ટ પર છે જ્યારે હિન્દુ કાર્યકર્તાઓએ સોમવારે શ્રી રામ સેનાના વડાના અભિયાનને પગલે રાજ્યભરમાં અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસે બેંગલુરુના એક મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા માટે તૈયાર કાર્યકરોની અટકાયત કરી છે.

સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે કારણ કે આ મુદ્દે કોમી અથડામણ થઈ શકે છે. મુથાલિકે જાહેરાત કરી છે કે કાર્યકરો આગામી દિવસોમાં મંદિરોમાં પ્રાર્થના અભિયાનને વધુ તીવ્ર બનાવશે. તેમણે અઝાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સરકારની લાચારી પર સવાલ ઉઠાવ્યા હતા, જે બંધારણ અને કાયદાની વિરુદ્ધ છે.