Panjab/ 111 દિવસ સુધી ચમક્યા બાદ ચરણજીત સિંહ ચન્નીનો રાજકીય સુર્ય થયો અસ્ત

પંજાબમાં, થોડા દિવસો પહેલા, ચરણજીત સિંહ ચન્ની અમરિંદર સિંહ સરકારમાં માત્ર મંત્રી હતા, જ્યારે પાર્ટીએ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ રેસમાં કુદરતી દાવેદારોની યાદીમાં પણ ન હતા

Top Stories India
1 33 111 દિવસ સુધી ચમક્યા બાદ ચરણજીત સિંહ ચન્નીનો રાજકીય સુર્ય થયો અસ્ત

પંજાબમાં, થોડા દિવસો પહેલા, ચરણજીત સિંહ ચન્ની અમરિંદર સિંહ સરકારમાં માત્ર મંત્રી હતા. જ્યારે પાર્ટીએ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ રેસમાં કુદરતી દાવેદારોની યાદીમાં પણ ન હતા. પરંતુ તેમણે ઉત્સાહ સાથે મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને ચૂંટણીની જાહેરાત પહેલા 111 દિવસ સુધી તેમણે આ ખુરશી સંભાળી.

આ દરમિયાન ચન્ની આખા પાનાની જાહેરાતો અને હોકી રમતમાં સામેલ થવાને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ, જેમણે અમરિન્દર સિંહને સત્તા પરથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી પોતાને પક્ષના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ કોંગ્રેસે ચન્નીને પસંદ કર્યા હતા.

ચમકૌર સાહિબ અને ભદૌરથી ચૂંટણી લડી

પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકેની તેમની પ્રતિષ્ઠા મદદરૂપ જણાય છે, કારણ કે રાજ્યની 30 ટકાથી વધુ વસ્તી દલિત છે. કોંગ્રેસે ચન્નીને બે બેઠકો પૈકી રૂપનગરમાં ચમકૌર સાહિબ અને બરનાલાના ભદૌરથી મેદાનમાં ઉતાર્યા છે. આનાથી સ્પષ્ટ થયું કે કોંગ્રેસ તેમના પર કેટલો ભરોસો કરી રહી છે. પરંતુ તેઓ બંને જગ્યાએથી હારી ગયા હતા. કોંગ્રેસને આમ આદમી પાર્ટી (AAP) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ચાર મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ ચન્ની હવે સાપેક્ષ રીતે પણ વનવાસ તરફ આગળ વધી રહ્યા છે. વર્ષ 1963માં ખરારના ભજૌલી ગામમાં જન્મેલા ચન્નીએ વર્ષ 1992માં કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

લાંબી રાજકીય સફર

તેઓ વર્ષ 2003માં ખારર મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ બન્યા હતા. તેમણે વર્ષ 2007માં ચમકૌર સાહિબથી અપક્ષ ધારાસભ્ય તરીકે રાજ્ય વિધાનસભામાં જગ્યા બનાવી હતી. તેઓ આ બેઠક પરથી વર્ષ 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા અને ગૃહમાં વિપક્ષના નેતા બન્યા હતા.

વર્ષ 2017માં ત્રીજી વખત ધારાસભ્ય ચૂંટાયા બાદ તેમને અમરિંદર સિંહના મંત્રાલયમાં સ્થાન મળ્યું. તેમણે ટેકનિકલ શિક્ષણ, ઔદ્યોગિક તાલીમ, રોજગાર સર્જન અને પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગો સંભાળ્યા. ચન્ની અને અન્ય ત્રણ મંત્રીઓએ ગયા વર્ષે રાજ્યમાં અમરિંદર સિંહ વિરુદ્ધ બળવો કર્યો હતો. ત્યારબાદ ચન્નીએ રાજ્ય એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનો સાથ આપવાનો નિર્ણય કર્યો.

પંજાબ યુનિવર્સિટીમાંથી એલએલબી

ચન્ની પાસે BAની ડિગ્રી છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એલએલબી અને પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું છે. તેઓ હવે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહ્યા છે. મંત્રી તરીકે ચન્ની વર્ષ 2018માં વિવાદમાં આવ્યા જ્યારે એક મહિલા IAS અધિકારીએ તેમના પર વાંધાજનક મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો. જો કે, ચન્નીએ અધિકારીની માફી માંગી અને કહ્યું કે તેમણે અજાણતા મેસેજ મોકલી દીધો હતો.

યુપીના લોકોને કહ્યું હતું ‘યુપી દે ભૈયા’

ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ વિવાદોમાં ઘેરાયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના ભત્રીજાના ઘરે દરોડા પાડ્યા હતા. ચન્ની રાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં રાજકીય રેલીને સંબોધ્યા વિના જ પાછા ફર્યા હતા. ચન્નીએ ચૂંટણી દરમિયાન તેમની ‘યુપી દે ભૈયે’ ટિપ્પણી માટે પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.