મહેસાણાઃ કલેક્ટરની દરમિયાનગીરી પછી મહેસાણા હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર જીજ્ઞેશ પરમાર અને પ્રકાશ વર્મા સામે ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરે ખુલ્લા પ્લોટ પર ચાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ પ્લોટ પર તેની લોન હોવા છતાં પણ તેણે તેના પર ફ્લેટો બનાવી દીધા હતા. આ ફ્લેટોના દસ્તાવેજ બનાવી લોકોને વેચાણ કર્યુ હતું. જ્યારે તમારો પ્લોટ જ ગીરો હોય તો પછી તેના પર આ પ્રકારે ફ્લેટો કઈ રીતે કોઈ બનાવી શકે. આના પગલે ફાઇનાન્સ કંપની દ્વારા હવે ફ્લેટધારકોને નોટિસ આપવામાં આવી છે.
મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી હિમાદ્રી ફ્લેટના રહીશોને બિલ્ડરોના વાંકે રોવાનો વારો આવ્યો છે. બિલ્ડરે હિમાદ્રી સોસાયટીના 144 ફ્લેટ વેચી દીધા પછી માસ ફાઇનાન્સ કંપનીની ચાર કરોડ રૂપિયાની લોન ન ભરતા ફાઇનાન્સ કંપનીએ તમામ રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ પાઠવી છે. તેના પગલે સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ એ ડિવિઝનની પોલીસ સમક્ષ કરી હતી. પણ પોલીસે અગમ્ય કારણોસર ફરિયાદ લીધી ન હતી. તેના પછી રહેવાસીઓએ શનિવારે કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હતી.
આના પગલે કલેક્ટરે બિલ્ડરો સામે ફરિયાદ નોંધવાની સૂચના આપી છે. આશ્ચર્યની વાત તો એ છે કે બિલ્ડરે આ રીતે ગીરો મૂકેલા પ્લોટ પર આટલી મોટી સ્કીમ કઈ રીતે કરી. 144 મકાનધારકોએ મકાન લીધા તો પછી તેમાના કેટલાયે લોન પર મકાન લીધા છે તો તેમની લોન કઈ રીતે પાસ થઈ. તેની સાથે બિલ્ડરનો પ્લોટ ગીરો હોવા છતાં પણ સ્થાનિક સત્તામંડળે આ પ્લોટ પર મકાન બનાવવાનો પ્લાન જ કઈ રીતે પાસ કર્યો તે સૌથી મોટો સવાલ છે. બિલ્ડરને ગીરો પ્લોટ પર બીયુથી લઈને વિવિધ મંજૂરીઓ કઈ રીતે મળી ગઈ તે બાબત ચિંતાજનક છે. અહીં ફક્ત બિલ્ડર જ નહીં પણ તેને વિવિધ પ્રકારની મંજૂરીઓ આપનારા અધિકારીઓ સામે પણ સવાલ ઉઠ્યો છે. આ તો રીતસરનું અંધેરતંત્ર ચાલે છે તેવી વાત જ થઈ.
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી