Not Set/ રણમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓની હાલત કફોડી, સોલર પેનલ પાણીમાં ડૂબતા એકથી દોઢ મહિનાનું ગારા કામ ફેઇલ

અગરિયાઓની સોલર પેનલથી માંડીને તમામ સાધનસામગ્રી પાણીમાં ડૂબતા અગરિયાઓેને પડ્યાં પર પાટુ

Gujarat
ofc રણમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓની હાલત કફોડી, સોલર પેનલ પાણીમાં ડૂબતા એકથી દોઢ મહિનાનું ગારા કામ ફેઇલ

સુરેન્દ્રનગર જિલ્લાના રણ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી બની હતી. રણમાં કમોસમી વરસાદના પગલે અગરિયાઓની સોલર પેનલ પાણીમાં ડૂબી હતી. ધ્રાંગધ્રાના રણ કોપરાણી એજારના રણથી માંડી છેંક હળવદના ટીકર સુધીના રણમાં આજે શનિવારે સવારે અગરિયા જતા ત્યાંની વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી. અગરિયાઓની સોલર પેનલથી માંડીને તમામ સાધનસામગ્રી પાણીમાં ડૂબતા મીઠું પકવતા અગરિયાઓનું એકથી દોઢ મહિનાનું ગારા કામ ફેઇલ ગયું હતી. જેથી એમની હાલત પડ્યાં પર પાટુ મારવાના ઘા જેવી કફોડી બની છે.

રણમાં વરસાદના પગલે વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો ઠપ્પ થતાં મંદિરે ન આવવા ભકતોને વિનંતી કરવામાં આવી છે. જ્યારે રણના અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ કરવામાં આવ્યો છે. મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પાટા ભરવાની તૈયારીમાં હતા ત્યાં કમોસમી માવઠું થતાં અગરિયા સમુદાયની હાલત કફોડી થઇ છે.

જિલ્લામાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ બે દિવસ માટે તંત્રે વ્યક્ત કરી છે. સાવચેતીના ભાગરૂપે જાહેરનામા પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે. જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવા તંત્રે આદેશ આપ્યા છે. હાલમાં રણમાં ભારે વરસાદના પગલે અંદાજે 3000 અગરિયા પરિવારો ફસાયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ઝીંઝુવાડા રણમાં આવેલી વાછડાદાદાની ઐતિહાસિક જગ્યા પર આખુ વર્ષ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. થોડા સમય અગાઉ વાછડાદાદા મંદિરના ભક્તજનો દ્વારા રણમાં જેસીબી અને ટ્રેક્ટરો સહિતના સાધનો વડે રસ્તો બનાવવામાં આવ્યો હતો. ત્યારે ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં વરસાદના પગલે વાછડાદાદા મંદિરે જવાનો રસ્તો ઠપ્પ થતાં મંદિરે ન આવવા વાછડાદાદા મંદિરના ટ્રસ્ટી વીજુભા ઝાલા દ્વારા ભકતોજનોને વિનંતી કરવામાં આવી છે.