Ahmedabad News/ અમદાવાદમાં 3 વર્ષમાં ઘરેલુ હિંસાની 12,721 ફરિયાદો, અભયમના દર બેમાંથી એક ફોન પાછળ અત્યાચારની ફરિયાદ

Ahmedabad Domestic Violence: અમદાવાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર ત્રણ વર્ષમાં ઘરેલુ હિંસાની 12,721 ફરિયાદો નોંધાઈ છે. કુલ 24,136 પારિવારિક ફરિયાદોમાંથી 52.7 ટકા ઘરેલુ હિંસા સંબંધિત હતી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Domestic Violence: અમદાવાદમાં ઘરેલુ હિંસાની 12,721 ફરિયાદો, અભયમના આંકડાએ ચિંતા વધારી

Ahmedabad News: ઘર પરિવાર માટે સુરક્ષા અને હૂંફનું સ્થાન ગણાય છે, પરંતુ અનેક મહિલાઓ માટે ઘરની ચાર દીવાલો વચ્ચે જ અત્યાચારનો સામનો કરવો પડે છે. અમદાવાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનના છેલ્લા ત્રણ વર્ષના આંકડા આ સમસ્યાની ગંભીરતા દર્શાવે (Ahmedabad Domestic Violence) છે. વર્ષ 2024થી 24 ઓક્ટોબર, 2026 સુધીમાં હેલ્પલાઈન પર પારિવારિક અને ઘરેલુ સમસ્યાઓ માટે કુલ 24,136 મહિલાઓએ સંપર્ક કર્યો હતો. તેમાંથી 12,721 ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. એટલે કે કુલ ફરિયાદોમાંથી આશરે 52.7 ટકા ફરિયાદો ઘરેલુ હિંસાની હતી.

Ahmedabad Domestic Violence: અભયમ પર આવતા બેમાંથી એકથી વધુ ફોન ઘરેલુ હિંસાના

181 અભયમના આંકડા મુજબ, મદદ માટે આવતા દર બે ફોનમાંથી એક કરતાં વધુ ફોન ઘરેલુ હિંસા સંબંધિત હોય (Domestic Violence Complaints) છે. આ ફરિયાદોમાં સાસરિયાં દ્વારા મારપીટ, અપમાન, ગાળાગાળી, માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

ત્રણ વર્ષના ફરિયાદના આંકડા

વર્ષવાર વિગતો પ્રમાણે, 2024માં ઘરેલુ હિંસાની 4,721 ફરિયાદો નોંધાઈ હતી. 2025માં આ સંખ્યા ઘટીને 4,489 થઈ હતી. જ્યારે 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 3,511 ફરિયાદો નોંધાઈ હતી. આમ, ત્રણ વર્ષ દરમિયાન કુલ 12,721 ફરિયાદો સામે આવી છે. 2026ના આંકડા સંપૂર્ણ વર્ષના નથી, પરંતુ આ સમયગાળામાં પણ ફરિયાદોની સંખ્યા નોંધપાત્ર રહી છે.

માનસિક ત્રાસ અને લગ્નેતર સંબંધો પણ વિવાદનું કારણ

આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં 3,984 કિસ્સાઓમાં મહિલાઓએ શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક પ્રતાડનાની ફરિયાદ કરી (Women Harassment) હતી. જ્યારે 1,395 કિસ્સાઓમાં પારિવારિક વિવાદને કારણે પરિણીત મહિલાઓને સાસરું છોડવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત, લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણોને લગતા કુલ 1,168 કિસ્સા નોંધાયા હતા. વર્ષ 2024માં આવા 452 કિસ્સા હતા, જે 2025માં ઘટીને 392 અને 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 324 થયા હતા.

પારિવારિક વિખવાદની અસર બાળકો પર પણ

પતિ-પત્ની વચ્ચેના વિવાદની અસર બાળકો પર પણ પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત 714 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન અને કાઉન્સેલરની મદદ લેવી પડી હતી.

વર્ષવાર આંકડા પ્રમાણે, 2024માં આવા 283 કિસ્સા નોંધાયા હતા. 2025માં આ સંખ્યા 234 અને 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 197 રહી હતી.

સંવાદનો અભાવ અને આર્થિક દબાણ પણ જવાબદાર

પરિવારના પ્રશ્નો સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, પરિવારોમાં સંવાદ અને એકબીજાને સમજવાની ક્ષમતા ઘટવી પણ વિવાદનું કારણ બની શકે છે. આર્થિક જવાબદારીઓ, મોંઘવારી, લોનના હપ્તા અને જીવનશૈલી જાળવવાનું દબાણ પણ માનસિક તણાવ (Mental Abuse) વધારે છે.

કેટલાક કિસ્સાઓમાં વ્યસન, જુગાર અને આર્થિક બેદરકારીને કારણે વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. સંબંધોમાં એકતરફી વર્ચસ્વ જમાવવાની વૃત્તિ અને મહિલાને સમાન દરજ્જો ન આપવાની માનસિકતા પણ ઘરેલુ હિંસાના કારણોમાં સામેલ હોઈ શકે છે.

અત્યાચાર સહન કરવો એ સમાધાન નથી

ઘણી મહિલાઓ સામાજિક બદનામી, બાળકોના ભવિષ્ય, આર્થિક નિર્ભરતા અને લગ્નજીવન તૂટી જવાના ડરથી ફરિયાદ કરતાં અચકાય છે. જોકે, ઘરેલુ હિંસા સહન કરવી એ સમસ્યાનો ઉકેલ નથી. સમયસર મદદ, કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શનથી મહિલાઓને સુરક્ષા મળી શકે છે અને પરિસ્થિતિનો ઉકેલ લાવવાના પ્રયાસો થઈ શકે છે.


આ પણ વાંચો: ખંડણી કેસ બાદ જય ડાંગરની મુશ્કેલી વધી, પત્નીએ નોંધાવી દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ

આ પણ વાંચો: ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસોમાં ચોંકાવનારો વધારો, 125 મહિલાઓએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો: સિદ્ધપુરમાં પ્રેમલગ્ન 10 માસમાં તૂટ્યાં, પત્નીની ઘરેલુ હિંસાની ફરિયાદ