Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે 1થી 18 જાન્યુઆરી, 2027 (Ahmedabad Flower Show 2027) દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાવાનો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ.25 કરોડના ખર્ચે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતે ફૂલોમાંથી તૈયાર કરવામાં આવનારાં આશરે 60 થીમ આધારિત સ્કલ્પચર્સ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. તેમાં 30 મીટરથી વધુ લાંબી વિશાળ વ્હેલનું સ્કલ્પચર પણ તૈયાર કરાશે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે. જોકે, આ ભવ્ય આયોજન વચ્ચે ફ્લાવર શોની ટિકિટના દરમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે અને ટિકિટમાં અટલ બ્રિજની મુલાકાત પણ ફરજિયાત સામેલ કરાઈ છે.
Ahmedabad Flower Show 2027: રૂ.25 કરોડના ખર્ચે 60 જેટલાં થીમ આધારિત સ્કલ્પચર્સ તૈયાર થશે
ફ્લાવર શોની તૈયારીઓ અંતર્ગત શહેરના વિવિધ બગીચાઓમાં ફૂલોના રોપા ઉછેરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સૌથી વધુ ફૂલોના પ્લાન્ટ મેમનગર ખાતેના બગીચાઓમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે આશરે રૂ.25 કરોડના ખર્ચે યોજાનારા ફ્લાવર શોમાં ફૂલોમાંથી તૈયાર કરાયેલાં 60 જેટલાં વિવિધ સ્કલ્પચર્સ પ્રદર્શિત કરવામાં આવશે.
30 મીટર લાંબી વ્હેલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલાશે
આ વખતના ફ્લાવર શોમાં 30 મીટરથી વધુ લાંબી વ્હેલ માછલીનું વિશાળ સ્કલ્પચર (30 Meter Whale Sculpture) ખાસ આકર્ષણ બનશે. આ સ્કલ્પચરને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત ઓક્ટોપસ, ગાંધીજીની દાંડીયાત્રા, સરદાર પટેલ, હેરિટેજ દરવાજા, અમદાવાદની હેરિટેજ પોળ, ચબૂતરો, સૂર્ય નમસ્કાર, પંચતંત્ર અને બાંધણી પ્રિન્ટ ડિઝાઇન સહિતની વિવિધ પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવશે.
મુલાકાતીઓની સુવિધા અને મનોરંજન માટે ત્રણ મોટી નર્સરી તથા 10 ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
ટિકિટમાં રૂ.20નો વધારો, અટલ બ્રિજની મુલાકાત પણ ફરજિયાત
ફ્લાવર શોના આયોજન સાથે આ વખતે મુલાકાતીઓના ખિસ્સા પર પણ ભાર વધશે. ટિકિટના દરમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લાવર શોની ટિકિટમાં અટલ બ્રિજની મુલાકાત પણ ફરજિયાત સામેલ કરવામાં આવી છે. એટલે કે, જે મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત (Atal Bridge Ticket) લેવા ઇચ્છતા ન હોય, તેમણે પણ ફ્લાવર શોની ટિકિટ સાથે તેની કિંમત ચૂકવવી પડશે.
આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શોની ટિકિટ મોંઘી થવાની શક્યતા, સોમથી શુક્રવાર 120, શનિ-રવિ 150ની દરખાસ્ત
આ પણ વાંચો: ફ્લાવર શો જોવાનો રહી ગયો છે? હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે ફૂલોની ફોરમ
આ પણ વાંચો: લાખો ફૂલોથી સજ્જ અમદાવાદ ફ્લાવર શો-2026, સરદારની પ્રતિકૃતિથી બનશે વર્લ્ડ રેકોર્ડ
