Ahmedabad Khadia Police Station Fire: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા પોલીસ સ્ટેશનમાં આજે શુક્રવારે બપોરે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં મુકવામાં આવેલા જપ્ત કરાયેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ આગમાં અંદાજે 25 જેટલી મોટરસાયકલો બળીને ખાખ થઈ ગઈ છે.
સાંજના સમયે અચાનક ફાટી નીકળી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે સાંજે અંદાજે 4:20 વાગ્યે ખાડિયા પોલીસ સ્ટેશનના ખુલ્લા પાર્કિંગમાં આગ લાગી હતી. આ જગ્યાએ વિવિધ ગુનાઓ હેઠળ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે પોલીસકર્મીઓ અને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડની કામગીરી અને કુલિંગ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ (Ahmedabad) ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગ સુધી ફેલાતી અટકાવી હતી. આગ ઓલવાયા બાદ કોઈ ફરીથી સ્પાર્ક ન થાય તે માટે લાંબા સમય સુધી ‘કુલિંગ ઓપરેશન’ પણ કરવામાં આવ્યું હતું.
જાનહાનિ ટળી, પણ સરકારી મિલકતને મોટું નુકસાન
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, આ આગમાં અંદાજે 25 જેટલા બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. મહત્વનું છે કે, બળી ગયેલા આ તમામ વાહનો પોલીસ તપાસ હેઠળના અને કોર્ટ મેટરના હોવાથી કાયદાકીય રીતે મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Ahmedabad: તપાસના ચક્રો ગતિમાન
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ આકસ્મિક કારણ હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ફાયર વિભાગ સાથે મળીને આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
