Ahmedabad News/ મેટ્રો ટ્રેક પર શ્વાનનું ‘બિન્દાસ્ત’ વોક! અમદાવાદ મેટ્રો ટ્રેક પર પહોંચી ગયું શ્વાન, વીડિયો વાયરલ

અમદાવાદ મેટ્રો (Metro) ટ્રેક પર એક શ્વાન પહોંચી જવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મેટ્રો ઓથોરિટીએ વીજળી બંધ કરી શ્વાનનું રેસ્ક્યુ કર્યું. સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Metro Security Breach

Ahmedabad Metro Security Breach: અમદાવાદની શાન ગણાતી મેટ્રો ટ્રેનની સુરક્ષા વ્યવસ્થામાં એક ગંભીર છીંડું સામે આવ્યું છે. મેટ્રો સ્ટેશનો પર સિક્યોરિટી ગાર્ડ્સ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં, એક શ્વાન મેટ્રોના હાઈ-વોલ્ટેજ ટ્રેક સુધી પહોંચી જતાં તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે.

Metro  ટ્રેક પર ‘બિન્દાસ્ત’ રખડતું શ્વાન

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્યાં હાઈ-વોલ્ટેજ વીજળીની લાઈનો પસાર થાય છે તેવા જોખમી મેટ્રો ટ્રેક પર એક શ્વાન આરામથી ફરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનના એન્ટ્રી પોઈન્ટથી લઈને પ્લેટફોર્મ સુધી સિક્યોરિટી ચેકિંગ હોવા છતાં આ અબોલ જીવ ટ્રેક સુધી કેવી રીતે પહોંચી ગયું, તે એક મોટો તપાસનો વિષય છે.

Ahmedabad Metro Security Breach

વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો

જો આ સમયે મેટ્રો ટ્રેન આવી હોત અથવા શ્વાન વીજ લાઈનને અડી ગયું હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટનાની ગંભીરતા જોતા મેટ્રો ઓથોરિટી તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ટ્રેક પર વીજ પ્રવાહ ચાલુ હોવાથી રેસ્ક્યુ માટે તાત્કાલિક મેટ્રોની વીજ લાઈન બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ મેટ્રોના કર્મચારીઓએ ભારે જહેમત બાદ શ્વાનને ટ્રેક પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જોકે, આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની પ્રક્રિયા દરમિયાન મેટ્રોની અવરજવરમાં થોડો સમય વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

તંત્ર સામે ફિટકારની વર્ષા

મુસાફરોનું કહેવું છે કે જો એક શ્વાન આટલી સરળતાથી પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી શકતું હોય, તો મેટ્રોની હાઈ-ટેક સુરક્ષાનો શું અર્થ? આ ઘટનાએ મેટ્રો પ્રશાસનની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર શું કડક પગલાં ભરે છે.


આ પણ વાંચો: ટી-20 મેચની ફાઈનલથી અમદાવાદ મેટ્રોને લોટરી લાગી, સ્પેશિયલ ટ્રેનોથી તગડી કમાણી

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોના નવા કલર કોડ પ્રમાણે, બ્લુ, રેડ, યલો, વાયોલેટ લાઈનના રૂટ જાણો

આ પણ વાંચો: મેટ્રો કોર્ટમાં હિન્દુ છોકરી-મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો, બજરંગદળના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી