Ahmedabad News: અમદાવાદ શહેરમાં હત્યા (Ahmedabad Murder Case)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગના એક સ્પામાં કામ કરતા યુવકને 5 શખ્સોએ હુમલો કરી ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક યુવકનું નામ દશરથ મીણા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલા અને તોડફોડની સમગ્ર ઘટના સ્પામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Ahmedabad Murder Case: પોલીસ રેડની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ પાછળ દશરથ મીણાએ બાતમી આપી હોવાની શંકામાં આરોપીઓમાં રોષ હતો. આ અદાવત રાખીને 5 શખ્સો હંસપુરા વિસ્તારમાં આવેલા ક્રિશા સ્પામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દશરથ સાથે બોલાચાલી કરી હતી. જોકે, દશરથે રેડ અંગે પોતે કોઈ માહિતી આપી ન હોવાનું જણાવ્યું હતું.
મોડી રાત્રે ફરી આવ્યા અને કર્યો જીવલેણ હુમલો
ઘટના બાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સમયે 4થી 5 શખ્સો ફરીથી સ્પામાં પહોંચ્યા હતા. તે સમયે સ્પામાં એક મહિલા અને દશરથ હાજર હતા. આરોપીઓએ ફરીથી બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ દશરથને ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ સ્પામાં તોડફોડ પણ કરી હતી.આ દરમિયાન હુમલાખોરોએ દશરથને ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Ahmedabad Murder Case: CCTVના આધારે પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. નરોડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સ્પાના CCTV ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પણ તપાસની શક્યતા
આ મામલામાં સ્પાના સંચાલન અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. સૂત્રો મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં સ્પાના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો સામે આવતી રહી છે. હાલ પોલીસ હત્યા (Ahmedabad Murder Case)ના મૂળ કારણ, આરોપીઓની ભૂમિકા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર મામલાની વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો:અમદાવાદના 9 વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પત્નીની હત્યા મામલે પતિની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા
