Gandhinagar News : ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના ચિલોડા વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ચાર વર્ષની માસૂમ બાળકી (Minor Girl)પર તેના જ સગા પિતાએ દુષ્કર્મ (Rape)આચર્યું હોવાનો આરોપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક મતભેદ ચાલી રહ્યા હતા. જેના કારણે પત્ની પોતાના બાળકો સાથે પિયર રહેવા ગઈ હતી. દરમિયાન આરોપી પોતાની ચાર વર્ષની પુત્રીને માતા પાસેથી પોતાના ઘરે લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું.
બીજા દિવસે સવારે બાળકીના ગુપ્તાંગમાંથી રક્તસ્ત્રાવ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. બાળકીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી ઘટનાની જાણ ચિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી.
દહેગામ ડિવિઝનના એએસપી આયુષ જૈનના જણાવ્યા મુજબ, પોલીસને હોસ્પિટલ તરફથી મળેલા મેડિકલ સંદેશના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકીના પિતા સામે પોક્સો એક્ટ તથા અન્ય સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, બાળકી હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે કેસની દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
