Ahmedabad News/ અમદાવાદની મહિલાઓ માટે જાહેર શૌચાલયની સુવિધા વધશે: 19 નવા પિંક ટોયલેટનું આયોજન

AMC અમદાવાદમાં રૂ.5.77 કરોડના ખર્ચે 19 નવા પિંક ટોયલેટ (Ahmedabad Pink Toilets) બનાવશે. બેબી ફીડિંગ રૂમ, ડાયપર ચેન્જિંગ રૂમ અને સેનેટરી પેડ મશીન સહિતની સુવિધા મળશે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Ahmedabad Pink Toilets: 19 નવા પિંક ટોયલેટ બનશે, જાણો કયા વિસ્તારમાં

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવા 19 પિંક ટોયલેટ (Ahmedabad Pink Toilets) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં અગાઉથી 16 પિંક ટોયલેટ બનાવવામાં આવ્યાં છે. હવે વિવિધ ઝોનમાં અંદાજે રૂ.5.77 કરોડના ખર્ચે નવા ટોયલેટનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ ટોયલેટમાં બેબી ફીડિંગ રૂમ, ડાયપર ચેન્જિંગ રૂમ અને સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

Ahmedabad Pink Toilets: શહેરના તમામ ઝોનમાં 19 સ્થળોએ નિર્માણ થશે

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ પિંક ટોયલેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં લાંભા, વટવા, દાણીલીમડા અને ઇસનપુર ખાતે 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા ખાતે 1 અને પશ્ચિમ ઝોનમાં સાબરમતી તથા નવરંગપુરા ખાતે 2 પિંક ટોયલેટ બનાવાશે.

ઉત્તર ઝોનમાં સૈજપુર, નરોડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં 6, પૂર્વ ઝોનમાં અમરાઈવાડી, નિકોલ અને વસ્ત્રાલ ખાતે 3 તેમજ મધ્ય ઝોનમાં અસારવા, શાહપુર અને જમાલપુર ખાતે 3 પિંક ટોયલેટ બનાવવાનું આયોજન છે. નવા પિંક ટોયલેટના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદ થયેલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે. વર્ક ઓર્ડર મળ્યાના એક વર્ષની અંદર બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

બેબી ફીડિંગ અને ડાયપર ચેન્જિંગ રૂમની સુવિધા

નવા પિંક ટોયલેટમાં સ્થળની ઉપલબ્ધ જગ્યા અને જરૂરિયાત મુજબ પૂરતી ટોયલેટ સીટની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ માટે સુલભ ટોયલેટ અને જરૂરી સહાયક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. મહિલાઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક ટોયલેટમાં બેબી ફીડિંગ રૂમ, બેબી ડાયપર ચેન્જિંગ રૂમ (Diaper Changing Room) , સેનેટરી પેડ વેન્ડિંગ મશીન અને વપરાયેલ સેનેટરી પેડના યોગ્ય નિકાલ માટે ઇન્સિનરેટરની સુવિધા રાખવામાં આવશે.

સ્વચ્છતા અને દેખરેખ માટે મહિલા કેરટેકરની નિમણૂક

પિંક ટોયલેટની સ્વચ્છતા, સુરક્ષા અને નિયમિત જાળવણી માટે AMC દ્વારા મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવશે. તેઓ ટોયલેટની સફાઈ, પાણીની ઉપલબ્ધતા અને અન્ય સુવિધાઓની દેખરેખ રાખશે, જેથી મહિલાઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.

આ ઉપરાંત ટોયલેટનું બાંધકામ કરનાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટરને જ આગામી પાંચ વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (O&M)ની જવાબદારી સોંપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન એજન્સીએ ટોયલેટની નિયમિત સફાઈ, સુવિધાઓની જાળવણી, જરૂરી મરામત અને યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવાનું રહેશે.

દર વર્ષે 19 નવેમ્બરે વર્લ્ડ ટોઇલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે અમદાવાદમાં મહિલાઓ માટે જાહેર શૌચાલયની સુવિધા વધારવાના આ આયોજનથી શહેરના વિવિધ વિસ્તારોમાં પિંક ટોયલેટની ઉપલબ્ધતા વધશે.


આ પણ વાંચો: બિહારમાં શૌચાલયની ટાંકીની સેન્ટ્રિંગ ખોલવા ઉતરેલા ચાર કામદારોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: ડાંગ: હર્ષ સંઘવીની ટકોરની અસર, સાપુતારા બસ ડેપોમાં દિવ્યાંગ શૌચાલયની વ્યવસ્થા સુધરી

આ પણ વાંચો: વડોદરામાં શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો: ગેસ લીકેજથી આધેડ ગંભીર રીતે દાઝ્યા, સયાજી હોસ્પિટલમાં સારવાર