ભૂવા રાજ/ ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?

સ્માર્ટસિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદનાં રોડ-રસ્તામાં ઠેર ઠેર ગાબડાં પાડવા માંડ્યા છે અને શહેર ભૂવાનગરીમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ઠેર ઠેર પડતાં ભૂવાથી લોકો વાહન ચલાવતા પણ ડરવા માંડ્યા છે. કાયમી નિકાલની માનસિકતા કે દિર્ઘદ્રષ્ટિ કોઈ અધિકારી કે એન્જીનિયરમાં નથી.

Gujarat Mantavya Exclusive
Ahmedabad Smart City

પ્રફુલ્લ ત્રિવેદી, એસો. એડિટર

અમદાવાદ ભારે વરસાદ બાદ ‘ભૂવાનગરી’માં પરિવર્તિત થવા માંડ્યું છે. દર વર્ષે 75 થી 80 ભૂવા પડતા હોય છે, જેના રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે. આ વખતે પહેલાં જ રાઉન્ડમાં 28 ભૂવા પડ્યા છે, જે પૈકી એક ભૂવામાં તો સિડાન કાર અડધાથી વધુ અંદર ઉતરી જતાં તેનો ફોટો રાજ્યભરમાં વાયરલ થયો હતો. એક સ્કુટર સવાર સ્કુટર સાથે તુરત જ પડેલા ભૂવામાં ખાબક્યો હતો, નીચે પાણી હતું જેમાં એક્ટિવા વહી ગયું જ્યારે યુવાનના સદનશીબે વચ્ચે આવેલા પાઈપનો સહારો મળી જતા તે બચી ગયો. લોકોએ દોરડાં નાખી તેને બહાર કાઢ્યો હતો. ત્રીજો બનાવ ગઈકાલે વસ્ત્રાલ માં સહજાનંદ સ્કૂલ પાસે મહાકાય ભૂવો પડ્યો હતો. જેનાં લાઈવ દ્રશ્યો વાયરલ થયા હતા. ભૂવાની નીચે પાણી ભરાયેલું હતું જે સપાટી પર આવી ગયું. આનો અર્થ એ થયો કે ભૂવાના તળીએ પાણીની કે ગટરની લાઇનમાં મોટું બ્રેકડાઉન હશે. તેમાં જો કોઈ દ્વિચક્રી વાહન હોત પડ્યું તો ભારે મોટી હોનારત સર્જાઈ હોત.

અગાઉનાં વર્ષોમાં 76થી વધુ ભૂવા પડ્યા. દક્ષિણઝોનમાં એક નાનકડું મંદિર પૂજારી સાથે જમીનમાં બેસી ગયું. મહામહેતે પૂજારી બચી શક્યા. આ અંગે ઉહાપોહ થતાં તે સમયનાં કમિશનરે ગટરની જૂની પાઈપલાઈનો ક્રમશ: બદલવાની જાહેરાત પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી, જેનો તલભારેય અમલ થયો નથી. દાણીલીમડા રોડની પાઈપલાઈનો બદલવાની તે સમયે પ્રક્રિયા ચાલતી હતી, જ્યાં રોડ પર સળંગભૂવા પડતાં હતાં. ભૂવા પડવાના કારણો શોધીને તેનું નિવારણકરવાની દિર્ધદ્રષ્ટિ કે મનોવૃત્તિ મ્યુનિ.કોર્પોરેશનનાં અધિકારીઓ – એન્જીનિયરોમાં નથી. જેના કારણે પ્રજાને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે.

ભૂવા પડવાના કારણો?

  1. અત્યંત જૂની ગટર કે પાણીની લાઈનમાં પંકચર પડતા કે જોઈન્ટ તુટતા છુટા પડી જતા તેમાં માટી ખેંચાઈ જતા જમીનમાં પોલાણ થાય છે.
  2. ભૂગર્ભમાં ચાલતી હલચલથી પાઈપોને નુકસાન થાય છે.
  3. ગટરનાં મેનહોલ અંદરથી જ પ્લાસ્ટર કરાય છે. બહારની બાજુ ઇંટો દેખાતી હોય છે. જે વરસાદમાં બેસી જાય છે.
  4. ગટરમાં પેદા થતા ગેસને નીકળવા અગાઉ વેન્ટીલેટીંગ કોલમ- પાઈપ નખાતા તે બંધ કરાયા છે. જેથી ગેસના દબાણથી પાઈપો ફાટે છે.
  5. ગટરની લાઈનો વર્ષો જૂની છે.
  6. અમદાવાદની જમીન રેતાળ છે, કાળીચીકણી માટી હોય તો આમ ના બને.

1 168 ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર/ પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળો પર આતંકી હુમલો, ASI શહીદ