અમદાવાદનો થશે વિકાસ/ વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩ હજાર કરોડની અપાશે લોન

અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ

અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે. દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે. તદઅનુસાર, ગુજરાતમાં અમદાવાદ ને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે. વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ બેન્કની આ ટીમ તા.૧૩ એપ્રિલ સુધી અમદાવાદમાં છે. તે દરમિયાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે  આગામી જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે.

આ કરાર માટેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર  અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા આ બેઠકમાં સહભાગી થયા હતા.

આ પણ વાંચો :અમેરિકાએ ભારતને રશિયા સાથેના સંબંધોને લઈને આપી ચેતવણી, જાણો શું કહ્યું

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :નરેશ પટેલ કોના,કોના,કોના…?

આ પણ વાંચો : મારી ઈજ્જતના કારણે હું બોલી શક્યો નથી, મને બચાવો : સજેશન બોક્સ દ્વારા પોલીસે કરી મદદ