Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધંધુકા વિસ્તારમાં 32 ગામોની આશરે 30 હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ પહોંચાડવા હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં (Dhandhuka Irrigation Project)ગંભીર ગેરરીતિઓ સામે આવી હોવાના આક્ષેપો થયા છે. વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ અને ભૂગર્ભ પાઈપલાઈન (Pipeline)ના કામ અંગે CAGના ઓડિટ રિપોર્ટમાં કામની ગુણવત્તા, ચૂકવણી અને પ્રોજેક્ટ પૂર્ણતાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, પ્રોજેક્ટના કામમાં નક્કી કરાયેલા ધોરણો મુજબની પાઈપલાઈન (Pipeline)ના બદલે હલકી ગુણવત્તાની પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મુદ્દા સામે આવ્યા છે. ટેન્ડરની શરતો અનુસાર 1600 મિ.મી.થી વધુ વ્યાસની પાઈપો માટે 249 ઈંચની મજબૂતાઈ જરૂરી હોવાનું જણાવાયું હતું, જ્યારે 124 ઈંચની મજબૂતાઈ ધરાવતી પાઈપોનો ઉપયોગ થયાના આક્ષેપો છે.
(Dhandhuka Irrigation Project)ના કામની પ્રગતિને લઈને ગંભીર સવાલો
પ્રોજેક્ટના કામની પ્રગતિને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ઉપલબ્ધ વિગતો મુજબ, પ્રોજેક્ટનું માત્ર આશરે 68 ટકા કામ પૂર્ણ થયું હતું. તેમ છતાં અંદાજે રૂ.25 કરોડનું કામ બાકી હોવા છતાં 15 જૂન 2022ના રોજ કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મુદ્દો ખાસ ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે અધૂરા કામને પૂર્ણ દર્શાવી સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સામે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.
હલકી ગુણવત્તાની પાઈપો છતાં કરોડોની ચૂકવણી
CAGના ઓડિટ (CAG Report)માં પાઈપલાઈન (Pipeline)ના કામની ગુણવત્તા અંગે પણ નોંધ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વારંવારની સૂચનાઓ અને સ્થળ મુલાકાતો છતાં હલકી ગુણવત્તાના કામને રોકવામાં ન આવ્યું હોવાના આક્ષેપો છે.
આ સમગ્ર મામલે આશરે રૂ.47.77 કરોડની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઉપરાંત, ઉપયોગમાં ન લેવાયેલી પાઈપોના સંદર્ભમાં પણ આશરે રૂ.50.33 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
ખેડૂતોને નુકસાનનો આક્ષેપ
ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો માટે સિંચાઈની સુવિધા ઊભી કરવાનો આ પ્રોજેક્ટ હતો. જોકે, નબળી પાઈપલાઈન અને કામમાં રહેલી ખામીઓને કારણે ખેડૂતોને અપેક્ષિત સિંચાઈ લાભ ન મળ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ખાસ કરીને વરસાદ આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતોને પાણીની સુવિધા મળવાને બદલે પાઈપલાઈન તૂટવાથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નિવૃત્ત અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલ
આ સમગ્ર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ સરકાર અને સિંચાઈ વિભાગની કામગીરી સામે આક્ષેપો કર્યા છે. તેમણે સિંચાઈ અને નર્મદા જેવા મહત્વના વિભાગોમાં નિવૃત્ત અધિકારીઓને કરાર આધારિત પુનઃનિયુક્તિ આપવાની પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસ તરફથી આ સમગ્ર પ્રકરણની તટસ્થ એજન્સી મારફતે તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગેરરીતિમાં જે અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા સામે આવે તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
