Ahmedabad/ AMCનું ખાડે ગયેલું તંત્રઃ દ્રષ્ટિવંત એન્જિનિયરોનો ભારે દુકાળ

અમદાવાદ જેવા મહાનગરોમાં દ્રષ્ટિવંત એન્જિનિયરોનો દુકાળ પડ્યો છે. ડેવલપમેન્ટ પાછળ ધૂમ નાણા ખર્ચાય છે, પણ કામોમાં રતિભારનાય ઠેકાણાં હોતા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને વિચારવા જેવો તાતો પ્રશ્ન

Mantavya Exclusive
Engineer scarcity AMCનું ખાડે ગયેલું તંત્રઃ દ્રષ્ટિવંત એન્જિનિયરોનો ભારે દુકાળ

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસીએટ એડિટર

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે. આર્થિક પાટનગર છે. કોઇ નાના રાજ્ય જેટલું AMCનું 8500 કરોડ જેટલું બજેટ હોય છે. આમ છતાં ખાટલે મોટી ખોડ એ છે કે પુરતી સંખ્યામાં અને દ્રષ્ટીવંત એન્જિનિયરોની બહું મોટી તંગી છે. ડેવલપમેન્ટના કામે થાય છે તે તમામ થર્ડપાર્ટી એન્જિનિયરોની કાંખઘોડીથી થાય છે. જેના કારણે કામની ક્વોલિટી-ગુણવત્તાના ક્યાંય ઠેકાણાં પડતા નથી.

100 વર્ષ ચાલવો જોઇએ એવો બ્રિજ ચાર વર્ષમાં ઉતારી લેવાની ફરજ પડે છે. પહેલાં જ વરસાદે રોડમાં ગાબડાં પડી જાય છે. પાણીની નવી લાઇન નાખ્યા બાદ પાણી ફોર્સથી આવતું નથી. અક્ષમ STPના કારણે ગટરની ગંદકી નદી, કેનાલ અને તળાવોમાં ઠલવાય છે. રિસાયકલરને તગડું ભાડું ચુકવાતું હોવા છતાં ગટરો ઊભરાય છે. AMTS અને વી.એસ. હોસ્પિટલ જેવી નમૂનારૂપ સેવાઓ ખાડે ગઈ છે. આમ એએમસીની સંખ્યાબંધ ખામીઓ છે. નવા વિકાસકામોની ડિઝાઇન સમય જતાં ફોલ્ટી સાબિત થાય છે. વરસાદી પાણી ભરાવવાના સ્થળો ઘટવાના બદલે મોટા પ્રમાણમાં વધતા જાય છે. આમા આશ્ચર્યની અને આઘાતની બાબત તો એ છે કે એએમસીના વહીવટીતંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આવી દિશામાં ધ્યાન પણ નથી જતું અને ધ્યાન જાય તો સજાગતાપૂર્વક આડું જોઇ જાય છે, કેમકે ઉકેલની કુનેહનો અભાવ અને દુરંદેશીવાળા એન્જિનિયરોની મોટી ખોટ મ્યુનિને વર્તાઈ રહી છે.

અમદાવાદનો વિસ્તાર વધતો જાય છે તેમ તેમ તમામ વિભાગોની જેમ એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટમાં પણ વર્ષો જૂનું મહેકમ છે અને એમા પણ અનેક જગ્યાઓ ખાલી છે. છેલ્લા બે દાયકામાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરની જગ્યા ખાલી છે. રોડ, બ્રિજ અને પાણી, ગટરના સિટી એન્જિનિયરો વર્ષોથી કાર્યકારી છે. હાલ તો એક પાસે બે ખાતા છે. અડધો ડઝન જેટલા એડિશનલ એન્જિનીયરો કાર્યકારી છે. આગામી 20 વર્ષમાં શહેરી વસ્તી કેટલી થશે, કેટલી નવી ઇમારતો ઉભી થશે, તેને કેટલું અને કેવું ઇન્ફ્રાસ્ટ્રકચર જોઇશે તેની કલ્પના કે પ્લાનિંગ ક્યાંય નથી. મેગાસિટીની આ છે ખાડે ગયેલી સ્થિતિ.

બીજી તરફ જે એન્જિનિયરો છે તે પૈકી મોટાભાગના ટકાવારીમાં, ટેન્ડરમાં ઘાલમેલ કરવામાં, ગમતી પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાવવામાં, કોન્ટ્રાક્ટર સાથે છૂપી ભાગીદારી કરી લેવામાં, ગમે ત્યાં બદલી થાય તો મૂળ જગ્યાએ પાછા આવી જવામાં, બ્લેકની કમાણાં વિદેશમાં વસતા કુટુંબીજનોને પહોંચાડવામાં વ્યસ્ત છે. ડેવલપમેનટમાં સુપરવિઝનની પણ કોઈને પડી નથી. હાલ અમદાવાદ મ્યુનિ. એન્જિનિયર્સ એસોસિયેશનના તમામ ઇજનેરોને તાલીમ આપવી, નવેસરથી મહેકમ બનાવવુ, ખાલી જગ્યાઓ ભારવી, પગારધોરણ, વાહન ભથ્થુ, સહિતની 11 માંગણીઓ સાથે આંદોલનાત્મક કાર્યક્રમ આપી રહેલ છે. સ્થિતિની સમીક્ષા કરે તો તેમની માંગણીઓમાં ભારોભાર વજૂદ છે.

તાત્કાલિક શું કરવાની જરૂર ?
(1) ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને સિટી એન્જિનીયર મોટાગજાના લેવા
(2) પ્લાનિંગ, ડિઝાઇન અને એન્વાયર્નમેન્ટ વિભાગો તાકીદે ચાલુ કરવા
(3) સમયઆંતરે એન્જિનીયરોને ટેકનિકલ ટ્રેનિંગ આપી કેપેસિટી બિલ્ડ અપ કરવી
(4) પીપીપી સેલ ઊભું કરી તેનું મોનિટરિંગ કમિશ્નર કે સચિવ કક્ષાએ સોંપવુ. હાલ તો પીપીપીની દરખાસ્તો જે તે નીચેના એન્જિનીયરોના ટેબલ પર સૂઝના અભાવે ધૂળ ખાતી પડી રહે છે.
(5) હાલ 15થી 25 ટકા ઊંચા ભાવે ટેન્ડર જવા દેવાય છે અને પાંચ ટકા નીચા ટેન્ડરવાળા સાથે બાર્ગેઇનિંગ કરાય છે. ટેન્ડર પ્રક્રિયા પારદર્શક અને ચુસ્ત બનાવવી
(6) એન્જિનીયરોને સુવિધા આપવા સામે તેમની ચોક્કસ જવાબદારી ફિક્સ કરવી. હાલ ‘રામભરોસે હોટેલ’ જેવું છે.
જ્યાં સુધી ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ નહીં જાગે અને વહીવટીતંત્રના સરકારે મૂકેલા અધિકારીઓ મારુ શહેર છે તેમ સમજીને રસ નહીં લે ત્યાં સુધી પ્રશ્નો હલ થવાના નથી. સુવિધાના બદલે દુવિધા ઊભી થશે!


whatsapp ad White Font big size 2 4 AMCનું ખાડે ગયેલું તંત્રઃ દ્રષ્ટિવંત એન્જિનિયરોનો ભારે દુકાળ


 

આ પણ વાંચોઃ ભીષણ આગ/ વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની

આ પણ વાંચોઃ Vibrant District/ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટમાં 25,147 કરોડનું રોકાણ

આ પણ વાંચોઃ દુર્ઘટના/ અમદાવાદમાં બાંધકામ સાઇટ ભેખડ ધસી પડતાં બાળકીનું મોત,બે લોકો દટાયા