Amreli Rajula Murder Case: શું કોઈની લાગણીની કિંમત કોઈની જિંદગી હોઈ શકે? શું પ્રેમ એટલો મોટો ગુનો છે કે તેની સજામાં એક નિર્દોષ માતાએ પોતાનો જીવ ગુમાવવો પડે? અમરેલી જિલ્લાના રાજુલામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર માનવતાને શર્મસાર કરી દીધી છે. પુત્રના પ્રેમ સંબંધનું મનદુઃખ રાખીને આરોપીઓએ માતાને કાર નીચે કચડીને રહેંસી નાખી છે.
Amreli : શું હતી સમગ્ર ઘટના?
ઘટના નેશનલ હાઈવે પર આવેલા નીંગાળા ગામ પાસેની છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક પેટ્રોલ પંપ સામે ભાવેશ ભીલ અને તેની માતા જીતુબેન પર આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો. વિગતો મુજબ, ભાવેશને આરોપી પક્ષની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતનો ખાર રાખીને 9 જેટલા શખ્સોએ ભાવેશને ઢોર માર માર્યો અને તેને જબરદસ્તી કારમાં નાખી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.
પુત્રને બચાવવા જતાં માતાનો ભોગ લેવાયો
જ્યારે પુત્રનું અપહરણ થઈ રહ્યું હતું, ત્યારે એક લાચાર માતા જીતુબેન પોતાના વહાલસોયા દીકરાને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ આરોપીઓના મન પર લોહી સવાર હતું. તેમણે દયા ખાવાને બદલે જીતુબેન પર નિર્દયતાથી કાર ચડાવી દીધી. ગંભીર ઈજાઓ થવાના કારણે જીતુબેનનું મોત નીપજ્યું હતું. પુત્રના પ્રેમની સજા વિધાતાએ માતાના ફાળે લખી હોય તેમ એક હસતું-રમતું પરિવાર વેરવિખેર થઈ ગયું.
LCB નો ફિલ્મી ઢબે પીછો અને રેસ્ક્યુ
હત્યા કર્યા બાદ આરોપીઓ ભાવેશને કારમાં નાખીને મહુવા તરફ ભાગ્યા હતા. જોકે, ઘટનાની ગંભીરતા જોતા અમરેલી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કર્યો હતો. ગણતરીની કલાકોમાં પોલીસે મહુવા પાસે પહોંચીને ભાવેશને આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.
7 આરોપીઓ જેલના સળિયા પાછળ
આ હિચકારી ઘટનામાં યોગેશ મકવાણા, રોહિત મકવાણા, મહેશ સોલંકી અને ત્રણ મહિલાઓ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં વધતા દારૂ અને મારામારીના દૂષણને કારણે ગુનેગારોની હિંમત વધી રહી છે.
આ પણ વાંચો: અમરેલીના વીજપડી ગામે પરિણીતાનો આપઘાત કે હત્યા?
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં વૃધ્ધ દંપતીની હત્યા કરી બે લાખની લૂંટ, પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા
આ પણ વાંચો: અમરેલીમાં જમાઈ એ સાસુની હત્યા કરીને, અંતિમવિધીમાં જોડાયો
