Amreli Bagasara Corruption News: ગરીબ જનતાના ટેક્સના પૈસાનો કેવો વેડફાટ થાય છે તેનો જીવંત નમૂનો અમરેલીના બગસરા તાલુકાના સુડાવડ ગામે જોવા મળ્યો છે. અહીં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી રહેલી નવી ગટરની ગુણવત્તા એટલી હલકી છે કે, કામ પૂર્ણ થાય તે પહેલા જ દીવાલો ધરાશાયી થવા લાગી છે. સ્થાનિકોએ આ ભ્રષ્ટાચારનો વીડિયો બનાવીને તંત્રની પોલ ખોલી નાખી છે.
Amreli : પગ મારતા જ તૂટી પડી ‘મજબૂત’ દીવાલ!
સુડાવડ ગામે હાલમાં ગટરનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં વપરાતું મટીરિયલ એટલું નબળું છે કે લોકો પણ જોઈને ચોંકી ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગટરની સાઈડની RCC દીવાલ પર સ્થાનિકો માત્ર પગ મારે છે ત્યાં જ આખી દીવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે અને સિમેન્ટના બદલે માત્ર રેતી અને ધૂળનો જ ઉપયોગ થયો હોય તેવું કામમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હજુ તો કામ ચાલુ છે ત્યાં જ દીવાલો આ રીતે તૂટવા લાગતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસામાં શું થશે? સ્થાનિકોના સવાલ
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગટરના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો અત્યારે જ દીવાલ પગના ઠોકરે તૂટી જતી હોય, તો આગામી ચોમાસામાં જ્યારે ગટરમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવશે ત્યારે આ ગટર ટકશે કે કેમ? એ મોટો સવાલ છે. ગટર લાઇનમાં પાણીના નિકાલને બદલે આખી ગટર જ જમીનદોસ્ત થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
તંત્ર સામે રોષનો વંટોળ
સ્થાનિકોએ આ નબળા કામનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુડાવડ ગામના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પંચાયત સ્તરે થતા વિકાસકામોમાં દેખરેખના અભાવે જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમરેલીના ખાંભામાં નકલી દૂધનું રેકેટ ઝડપાયું, તેલ અને પાવડરના મિશ્રણથી બનતું હતું ‘સફેદ ઝેર’
આ પણ વાંચો: ભ્રષ્ટાચારનો પુલ તૂટ્યો! અમરેલીમાં 5 લાખના ખર્ચે બનેલો નવો પુલ માત્ર 10 દિવસમાં ધરાશાયી
આ પણ વાંચો: અમરેલીમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડવાનો મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાડી પર હુમલો
