Ahmedabad News: અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)માં વાલીઓના હોબાળા બાદ શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. શાળાના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યાની ફરિયાદ અને વિદ્યાર્થીઓને અન્ય ધર્મ સાથે જોડાયેલી પુસ્તક વાંચવા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપોને લઈને 11 ઓગસ્ટે વાલીઓ અને કેટલાક કાર્યકર્તાઓએ શાળામાં હોબાળો કર્યો હતો.
ઘટના બાદ શાળાએ વિદ્યાર્થીઓને એક દિવસની રજા આપી હતી. શાળા (Anand Niketan School) તરફથી વાલીઓને મોકલાયેલા મેસેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી, સુરક્ષા તથા ભાવાત્મક સુખાકારીને ધ્યાનમાં રાખીને રજાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. સાથે જ વાલીઓ તરફથી શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હોવાના કારણે શિક્ષકો માનસિક આઘાતમાં હોવાનો પણ મેસેજમાં ઉલ્લેખ કરાયો હતો.
DEOએ પ્રિન્સિપાલને ફરજ પરથી દૂર કરવા સૂચના આપી
સમગ્ર મામલે અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં શાળાની ક્યાંક બેદરકારી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મામલે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.DEO દ્વારા આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School) પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે. સાથે જ શાળાના પ્રિન્સિપાલને ફરજ પરથી દૂર કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેન્ટીન બંધ રહેશે
નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યાની ફરિયાદને શિક્ષણ વિભાગે ગંભીરતાથી લીધી છે. જ્યાં સુધી જરૂરી ધારાધોરણોનું પાલન અને તપાસની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી શાળાની કેન્ટીન શરૂ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગને શાળામાં તપાસ કરવા જણાવાયું છે.
શહેરની અન્ય શાળાઓમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ
આ ઘટનાને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી શાળા (Anand Niketan School)ઓની કેન્ટીનમાં પણ ફૂડ સેફ્ટી તપાસ હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી અધિકારીઓને સાથે રાખીને શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શાળાએ કેન્ટીન સ્ટાફને દૂર કર્યો
આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)ના PRO અંકિત રાજપૂતે જણાવ્યું હતું કે, તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શાળા મેનેજમેન્ટે જરૂરી પગલાં લીધા છે. કેન્ટીનમાં કામ કરતા સ્ટાફને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેન્ટીનમાં ત્રણ નવા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ શાળા તરફથી જણાવાયું છે. વાલીઓ સાથે સમગ્ર મામલે ચર્ચા કરીને તેમની રજૂઆતોના જવાબ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
Anand Niketan School : કાચના ટુકડા અંગે તપાસ ચાલુ
શાળા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, નાસ્તામાંથી કાચનો ટુકડો કેવી રીતે મળ્યો અને તે કયા તબક્કે આવ્યો તેની તપાસ ચાલી રહી છે. શાળા તરફથી ઘટનાને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.PROના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એક દિવસ પૂરતી શાળાને રજા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ કર્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
પુસ્તક અંગે પણ મેનેજમેન્ટ આપશે ખુલાસો
વિદ્યાર્થીઓને અન્ય ધર્મ સાથે જોડાયેલી પુસ્તક વાંચવા માટે દબાણ કરાતું હોવાના વાલીઓના આક્ષેપ અંગે પણ શાળા મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. PRO અંકિત રાજપૂતે જણાવ્યું કે પુસ્તક વિદ્યાર્થીઓને શા માટે આપવામાં આવ્યું હતું તે અંગે મેનેજમેન્ટ અને ડાયરેક્ટર ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ખુલાસો કરવામાં આવશે.
હાલમાં સમગ્ર મામલે શિક્ષણ વિભાગ, ફૂડ સેફ્ટી વિભાગ અને શાળા મેનેજમેન્ટ દ્વારા અલગ-અલગ સ્તરે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જવાબદારી નક્કી થયા પછી વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
આ પણ વાંચો:આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ, વાલીઓનો હોબાળો
આ પણ વાંચો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલોને બોમ્બની ધમકીમાં હવે પાકિસ્તાનનું નામ ખૂલ્યું
