Anees Bazmee: ફિલ્મ હેરા ફેરી 3 ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કાર્તિક આર્યનના નામને લઈને સતત વિડબંણા ચાલી રહી છે. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન મુખ્ય રોલમાં જોવા મળશે. જયારે હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાંથી કાર્તિકને પડતો મૂકવામાં આવ્યો છે. અને અક્ષય કુમાર ફરી એકવાર ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. આ મૂંઝવણ વચ્ચે ફિલ્મ નિર્દેશક અનીસ બઝમીનું નિવેદન સામે આવ્યું છે.
આગામી કોમેડી ફિલ્મ હેરા ફેરી 3ના કાસ્ટિંગને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અનીસ બઝમીએ આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘મેં હજુ સુધી ફિલ્મ સાઈન કરી નથી. આ બાબત હજુ પણ વિચારણા હેઠળ છે. જ્યાં સુધી હું હા નહીં કહું ત્યાં સુધી કાર્તિક આર્યન ઇન અને અક્ષય કુમાર ઇન આઉટ ચાલુ રહેશે.
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે ‘હેરા ફેરી 3’ના નિર્માતા કાર્તિક આર્યનના નિયંત્રણ અને વર્ચસ્વના વર્તનથી નાખુશ છે. આ કારણે તે ફિલ્મમાંથી બહાર છે અને અક્ષય કુમારને ફરીથી ફિલ્મનો હિસ્સો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, કાર્તિક આર્યનના નજીકના સૂત્રોએ આ અહેવાલોને અફવા ગણાવી છે. ટીમના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ અભિનેતાને ફાઈનલ કરવામાં આવ્યો નથી અને ન તો કાર્તિક આર્યનને સ્ક્રિપ્ટ મળી છે.
ઉલ્લેખનીય છે કે ‘હેરા ફેરી 3’ના કાસ્ટિંગને લઈને મૂંઝવણ ત્યારે શરૂ થઈ જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે ફિલ્મમાં બાબુ ભૈયાનો રોલ કરી રહેલા પરેશ રાવલને પૂછ્યું, ‘શું કાર્તિક આર્યન ફિલ્મનો ભાગ છે?’ જવાબ આપતાં પરેશ રાવલે સંમતિ દર્શાવી હતી. જયારે અક્ષય કુમારે કહ્યું, ‘તેને સ્ક્રિપ્ટ ગમી નહીં માટે ઇચ્છા હોવા છતા પણ ફિલ્મ કરવાની ના પાડી દીધી.’ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને અક્ષય કુમારનું આ નિવેદન પસંદ આવ્યું નથી. આ અંગે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
જો કે કોયડો હજુ પણ વણ ઉકેલાયેલો જ છે કે હેરાફેરી-3 માં કાર્તિક આર્યન જોવા મળશે કે પછી અક્ષય કુમાર. જો કે ટુંક સમયમાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ડિકેલર થાય તેવી સંભાવનાઓ સુત્રો દ્ધારા મળી છે. જોવાનું રહ્યું કે કોણ બાજી મારે છે કાર્તિક કે અક્ષય..