સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જયાં ધુળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવાય છે. જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામમાં દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. તમામ મુવાડાના લોકો અલગ-અલગ ગ્રુપ બનાવી સમુહમાં મહિલાઓ સહીત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ રમતા રમે છે. હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છુટા હાથે શ્રીફળની સામુહિક આહુતિ આપતા હોય છે.
- અરવલ્લીના બાઠીવાડા ગામમાં ઉજવાઇ હોળી
- ધુળેટીના દિવસે હોળી પ્રગટાવી કરી ઉજવણી
- ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગવાયા
- અરવલ્લી જીલ્લામાં અનોખી હોળી
અહીં બક્ષીપંચ સમાજની વસ્તી રહે છે. એક જ ગામના કુલ બાર મુવાડા છે. જેમાં દસથી બાર હજારની વસ્તી વસવાટ કરે છે . આ ગામે દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે. સમાજમાં કહેવત છે કે દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતન જ તે મુજબ બારેબાર મુવાડા ના લગભગ દસ થી બાર હજાર ની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ-ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે. અને સમાજના મુખી રૂઢિગત રીવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા કરે છે. ખાદ્ય નો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે.
તમામ મુવાડાના લોકો અલગ-અલગ ગ્રુપ બનાવી સમુહમાં મહિલાઓ સહીત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર રમતા રમે છે. ત્યાર બાદ ગણતરીની દસજ મીનીટમાં સ્તંભ ની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આગેવાનો સળગતા કાકડા હાથમાં લઇ ખુબજ જડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે. હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ-પાણીનો લોટો રાખી સામુહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છુટા હાથે શ્રીફળની સામુહિક આહુતિ આપતા હોય છે આમ પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થઇ બાઠીવાડા નો ઠાકોર સમાજ ધુળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે. હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. ત્યારબાદ આજ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું. તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે. તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે. તેના ઉપરથી વરતારો એટલેકે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે. આમ આ વિસ્તારના બક્ષીપંચ સમાજના લોકોએ જુના વેર જેર ભૂલી જઈ એકમેક થઇ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરા ને જાળવી રાખી છે. સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે.