Ahmedabad News/ SPIPAમાં અટલ વ્યાખ્યાનમાળા યોજાઈ

આ કાર્યક્રમમાં SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક એ. એ. ડોડીયા, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Ahmedabad
અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત અટલ વ્યાખ્યાનમાળા (Atal Vyakhyanmala) અંતર્ગત ‘Fundamentals of Good Governance & The Narendra Modi Govt.’ વિષય પર જાણીતા લેખક અને પત્રકાર ઉદય માહુરકરે વ્યાખ્યાન આપ્યું હતું.

Ahmedabad News : અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત અટલ વ્યાખ્યાનમાળા (Atal Vyakhyanmala) અંતર્ગત ‘Fundamentals of Good Governance & The Narendra Modi Govt.’ વિષય પર જાણીતા લેખક અને પત્રકાર ઉદય માહુરકરે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સુશાસન, પારદર્શિતા અને ટેક્નોલોજી આધારિત વહીવટને નવી દિશા મળી છે.

ઉદય માહુરકરે (Uday Mahurkar) પોતાના સંબોધનમાં જણાવ્યું કે મોદી સરકાર આવ્યા બાદ દેશના વહીવટી માળખામાં જવાબદારી, પારદર્શિતા અને લોકકેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. તેમણે ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી પ્રક્રિયાઓ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની હોવાનું જણાવ્યું.

તેમણે ગુજરાતમાં વર્ષ 2006થી ગામડાઓમાં 24 કલાક થ્રી-ફેઝ વીજળી પહોંચાડવાની પહેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાજ્યમાં વીજ પુરવઠા ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. સાથે જ સોલાર પાવર અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું પણ તેમણે કહ્યું.

ડિજિટલ ઈન્ડિયા અને જનધન યોજના અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા છે અને કરોડો લોકો બેંકિંગ વ્યવસ્થાથી જોડાયા છે. GeM પોર્ટલ દ્વારા સરકારી ખરીદીમાં પારદર્શિતા વધતા ભ્રષ્ટાચાર ઘટાડવામાં મદદ મળી હોવાનું તેમણે ઉમેર્યું.

ઉદય માહુરકરે આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે સંરક્ષણ ક્ષેત્રે મોટા પ્રમાણમાં સાધનો અને સામગ્રી દેશમાં જ બનાવાઈ રહી છે. ભારતની વૈશ્વિક કૂટનીતિ વધુ મજબૂત અને વિશ્વસનીય બની હોવાનું પણ તેમણે જણાવ્યું.

તેમણે ઐતિહાસિક ઉદાહરણ આપતાં કહ્યું કે શિવાજી મહારાજે અફઝલ ખાન સાથેની મુલાકાત પહેલાં વ્યૂહાત્મક આયોજન કર્યું હતું, જે તેમની સફળતાનું મુખ્ય કારણ બન્યું. જીવનમાં સફળતા માટે દૂરંદેશી વિચારસરણી અને તૈયારી જરૂરી હોવાનું તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું.

વ્યાખ્યાન દરમિયાન તેમણે દેશમાં માઓવાદી પ્રવૃત્તિઓ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ દેશની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક હોવાનું પણ તેમણે કહ્યું.

આ કાર્યક્રમમાં SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સંયુક્ત સચિવ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક એ. એ. ડોડીયા, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં ગુજરાતના ઇતિહાસનું સૌથી ઉત્કૃષ્ટ પરિણામ:SPIPA

આ પણ વાંચો : SPIPA : ગુજરાતમાં 1992 થી UPSCની પરીક્ષામાં 286 ની પસંદગી

આ પણ વાંચો : ગુજરાતના 34 ઉમેદવારોએ UPSC  પાસ કરી, દિશાંક નિસારનો 19મો ક્રમ