જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર સ્કોર્પિયો કારમાં જિલેટીન રાખવાના કેસમાં દરરોજ નવા વળાંકો આવતા જાય છે. આ કેસની તપાસ એટીએસ અને એનઆઇએ બન્ને કરી રહી છે ત્યારે રોજ નવા ફણગા ફુટી રહ્યા છે. અત્યાર સુધી આ કેસની તપાસ મહારાષ્ટ્ર સુધી જ સિમિત હતી પરંતુ હવે તેના તાર અમદાવાદ સુધી પહોંચી ગયા છે. મનસુખ હિરેનના મોત પછી એટીએસની તપાસમાં 5 સિમકાર્ડ અમદાવાદથી એક્ટિવ થયાની ચોંકાવનારી વિગત બહાર આવી છે
હાલ જેલની હવા ખાઇ રહેલા આસિસ્ટન્ટ પોલિસ ઇન્સ્પેક્ટર સચિન વઝેએ આમાંનું એક સિમકાર્ડ ખરીદ્યું હતું. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચીને સિમકાર્ડ વેચનાર સુધી પહોંચી ગઈ છે.
મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા.
મુંબઈ એટીએસએ વધુ પુરાવા એકત્ર કરવા માટે અમદાવાદમાં આવી તપાસની ગતિને આગળ વધારી છે. જે પાંચ વ્યક્તિનાં નામે અમદાવાદથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં હતા તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે તેમજ સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં, તેની તપાસ થઇ રહી છે.