Banaskantha/ શાળાઓમાંથી ગ્રાન્ટની ઉચાપત કરનાર ફરાર આચાર્ય ઝડપાયો

પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે બેચરાજીથી ફરાર આરોપી આચાર્યની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે ડીસા મોકલી આપ્યો છે.

Gujarat Others

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા

લાખણી તાલુકાની પ્રાથમિક શાળામાં ૨૭.૬૭ લાખની ઉચાપત કરનાર આચાર્યને આગથળા પોલીસે છેક બેચરાજીથી ઝડપી પાડ્યો છે. સાતેક માસ અગાઉ તાલુકાની આઠ પ્રાથમિક શાળામાં વિવિધ ગ્રાન્ટ ચાઉં કર્યાની ફરીયાદ આ આચાર્ય સામે નોંધાઇ હતી. આ પછી આચાર્ય ફરાર થઇ ગયો હતો પરંતુ આગથળા પોલીસે તેની તપાસ ચાલુ રાખી હતી. આ દરમ્યાન  પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે બેચરાજીથી ફરાર આરોપી આચાર્યની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે ડીસા મોકલી આપ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાની આગથળા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય દેવચંદ સોલંકીએ વર્ષ ૨૦૧૬- ૧૭ અને ૨૦૧૭- ૧૮ માં આઠ શાળાની ગ્રાન્ટમાંથી ઉચાપત કરી હતી. મોરાલ, ઢાકણીયા વાસ, સરકારી ગોળીયા સહિત આઠ શાળાની ગ્રાન્ટ ચાઉં કરી ગયા હોવાની ફરીયાદ દાખલ થઈ હતી. જેમાં આરોપી આચાર્ય સામે વિદ્યાલક્ષી બોર્ડ ગ્રાન્ટ, સ્વચ્છતા ગ્રાન્ટ, ગુણોત્સવ ગ્રાન્ટ, શિષ્યવૃતિ ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષક પગાર ગ્રાન્ટ, પ્રવેશોત્સવ ગ્રાન્ટ, ફર્સ્ટ એઇડ ગ્રાન્ટ સહિતની સરકારી ગ્રાન્ટમાં ઉચાપત થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સાતેક માસ અગાઉ ફરીયાદ નોંધાયા બાદ આરોપી આચાર્ય નાસતો ફરતો હતો. જોકે આ બાદ આરોપી આચાર્ય દેવચંદ સોલંકી પોલીસ પકડથી દૂર હોવાથી આગથળા પોલીસ ચારેબાજુથી તપાસમાં હતી. આ દરમ્યાન આજે આગથળા પોલીસ મથકના પીએસઆઈ પી.એન.જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી આચાર્ય બેચરાજીમાં છે. જે આધારે બેચરાજીથી આરોપી આચાર્ય દેવચંદની અટકાયત કરી આગથળા લાવ્યા હતા. જે બાદ આચાર્યનો કોવિડ ટેસ્ટ કરવા ડીસા મોકલ્યા હોવાનું પીએસઆઈ જાડેજાએ ઉમેર્યુ હતુ.

આચાર્ય સામે ક્યારે નોંધાઇ હતી ફરીયાદ ?

લાખણી તાલુકાની આગથળા પગાર કેન્દ્ર શાળામાં દેવચંદભાઇ મોતીભાઇ સોલંકી (મુળ રહે.મેસર, તા.સરસ્વતી, જી.પાટણ) આચાર્ય તરીકેની ફરજ દરમ્યાન આઠ જેટલી શાળાની ગ્રાન્ટમાં ઉચાપત કરી હતી. જે બાબતે તપાસને અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયંતિલાલ પટેલે તા. ૨૦/૩/૨૦૨૦ ના રોજ આચાર્ય સામે મોરાલ, ઢાંકણીયાવાસ, ગોગાપુરા(આ), વિહાજીનગર(મોરાલ), ગણેશપુરા, લેબતપુરા, ગોળીયા અને ભુરગઢ પ્રાથમિક શાળાની ગ્રાન્ટમાં કુલ રૂ. ૨૭,૬૭,૩૪૮ ની ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જે બાદમાં આગથળા પોલીસે આચાર્ય સામે આઇપીસીની કલમ ૪૦૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.