કોરોના મહામારીને દૂર કરવા માટે હાલમાં વિશ્વવ્યાપી રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઘણા સ્થળોએ, જો રસી માટે મારામારી થઇ રહી છે, તો ઘણા સ્થળોએ લોકો રસી લેવા માટે પણ ખચકાતા જોવા મળી રહ્યા છે. દરમિયાન, લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા માટે અમેરિકામાં ફ્રી બીયર પણ આપવામાં આવી રહી છે.
પશ્ચિમના ન્યુયોર્કના એરિ કાઉન્ટીમાં યુવાનોને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવા આ વિશેષ ઓફર આપવામાં આવી રહી છે. શનિવારે 18 થી 21 વર્ષની વયના લોકોને બિન-આલ્કોહોલિક બેવરેજ આપવામાં આવી રહી હતી.
વિશ્વના તમામ દેશોના નિષ્ણાંતો હાલ વેક્સિન અને માસ્કને જ મહામારી રોકવા માટેના મજબૂત ઉકેલ માની રહ્યા છે. જો કે તેમ છતા અનેક લોકો વેક્સિન લેવામાં ઝાઝો રસ નથી દાખવી રહ્યા. આ કારણે અનેક દેશોની સરકાર અને ખાનગી કંપનીઓ લોકોને વિવિધ પ્રકારની લલચામણી ઓફર આપી રહ્યા છે.
અમેરિકાની ડોનટ કંપની ક્રિપ્સી ક્રીમ વેક્સિન લેનારા લોકોને ડોનટ આપી રહી છે. બેઈજિંગના અનેક વેક્સિન સેન્ટર પર ફ્રી આઈસ્ક્રીમ આપવામાં આવી રહ્યો છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને રજા આપી રહી છે જેથી તેઓ જઈને કોરોના વેક્સિન લઈ આવે. તે સિવાય કેટલીક જગ્યાએ લોકલ પ્રશાસન વેક્સિનેશન માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપી રહ્યું છે.
ચીનની વાત કરીએ તો ત્યાં પણ સરકાર અને કંપનીઓ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અનેક ઓફર આપી રહ્યા છે. જો કે, કેટલાક શહેરમાં તો ફરજિયાત વેક્સિનેશનના આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. હેનાન પ્રાંતના એક શહેરમાં તો સ્થાનિક પ્રશાસને વેક્સિન ન લેનારા લોકોને ચેતવણી પણ આપી દીધી છે. ઉબેર કંપનીએ ભારત સહિત અનેક દેશોમાં વેક્સિનેશન માટે ફ્રી રાઈડની સુવિધા ઓફર કરી છે.