Bhavnagar News: દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગરના મુખ્ય બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ ભીડને કારણે વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Free Parking) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓને ખરીદી માટે આવવા-જવામાં સરળતા રહે તે હેતુથી મહિલાબાગ ખાતે તેમના માટે વિનામૂલ્યે પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ ભાઈબીજ સુધી મળશે.
Bhavnagar Free Parking: 5 નવેમ્બરથી ભાઈબીજ સુધી ફ્રી પાર્કિંગ
ભાવનગરનાં મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં બજારમાં મહિલાઓની અવરજવર અને ખરીદીનું પ્રમાણ વધે છે. ભીડભાડવાળા વિસ્તારોમાં વાહન પાર્ક કરવામાં મહિલાઓને મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાબાગ ખાતે ફ્રી (Women Free Parking) પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 5 નવેમ્બરથી ભાઈબીજ સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
તેમણે શહેરની મહિલાઓ અને નાગરિકોને આ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. આ આયોજનથી મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
મહિલાઓએ પાર્કિંગ વ્યવસ્થાને આવકારી
ખરીદી માટે બજારમાં આવતી યુવતી ભટ્ટી ગ્રેવાએ જણાવ્યું હતું કે દિવાળીની સીઝનમાં બજારમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. અન્ય સ્થળોએ પાર્કિંગ માટે ચાર્જ ચૂકવવો પડે છે અને વાહન ટોઇંગ થઈ જવાની ચિંતા પણ રહે છે. આવી સ્થિતિમાં મહિલાબાગ (Mahilabag Parking) ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે પાર્કિંગની સુવિધા શરૂ કરવી રાહતરૂપ છે.
મહિલા વિભાબેન ડાભીએ પણ આ વ્યવસ્થાને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે બજારમાં વાહન લઈને આવતાં મહિલાબાગ ખાતે પાર્કિંગની સુવિધા અંગે જાણ થતાં ત્યાં વાહન પાર્ક કર્યું હતું. ભીડભાડ વચ્ચે સરળતાથી પાર્કિંગની જગ્યા મળી જતાં રાહત થઈ હતી. જોકે, જો પાર્કિંગનો પાછળનો દરવાજો પણ ખોલવામાં આવે તો વાહનને વળાંક લેવામાં વધુ સરળતા રહે તેવી તેમણે સૂચના આપી હતી.
મહાનગરપાલિકાની આ વ્યવસ્થાથી દિવાળીની ખરીદી માટે બજારમાં આવતી મહિલાઓને પાર્કિંગની મુશ્કેલીમાંથી રાહત મળવાની સાથે મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ (Diwali Parking Facility) ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
આ પણ વાંચો: દિવાળી પર બનાવવા છે શક્કરપારા? આ રીતે નહિં બનાવો તો થઈ જશે નરમ…લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવાની ટ્રિક!
આ પણ વાંચો: દિવાળી પહેલાં મોંઘવારીનો મોટો માર: 5 ચીજવસ્તુઓના ભાવ વધ્યા!
આ પણ વાંચો: ગુજરાત સરકારની 2027ની 18 જાહેર રજાઓ જાહેર, મકર સંક્રાંતિથી દિવાળી સુધીની સંપૂર્ણ યાદી
