Bhavnagar Municipal Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં મતદાન પહેલા જ મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6 (પીરછલ્લા) માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પરમારે અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ ઘટનાને લઈને કોંગ્રેસના અન્ય ઉમેદવારોએ ભાજપ પર લાલચ અને ધાક-ધમકીના ગંભીર આક્ષેપો કર્યા છે.
પક્ષને અંધારામાં રાખીને લીધો નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દુબેન પરમારે શનિવારે સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ પક્ષના કોઈપણ હોદ્દેદાર કે સાથી ઉમેદવારોને જાણ કર્યા વગર સીધા બહુમાળી ભવન પહોંચી પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ સમાચાર મળતા જ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માત્ર કોંગ્રેસ જ નહીં, આ જ વોર્ડમાંથી ‘આપ’ ના ઉમેદવાર સલીમ મહેતાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
₹30 લાખની ઓફર અને બ્લેકમેલિંગના આક્ષેપો
પીરછલ્લા વોર્ડના કોંગ્રેસના અન્ય ઉમેદવાર દર્શનાબેન જોશીએ આ વિવાદમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, “ભાજપે ઉમેદવારોને તોડવા માટે પૈસાની ઓફરો અને બ્લેકમેલિંગનો સહારો લીધો છે. મને પોતાને પણ ₹30 લાખ સુધીની ઓફર આપવામાં આવી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ટિકિટ મળ્યા પછી ઉમેદવારની વેલ્યુ વધી જાય છે, પણ આવા સમયે પાર્ટીને વફાદાર રહેવું જોઈએ.
બીજી તરફ, ઉમેદવાર સલીમ રાધનપુરીએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સવારે 9:30 સુધી ઇન્દુબેન અમારા સંપર્કમાં હતા, પણ રાતોરાત સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને તેમનું ફોર્મ પરત ખેંચાવાયું છે, જે લોકશાહીનું હનન છે.
Bhavnagar : ભાજપ માટે જીતનો માર્ગ થયો મોકળો
પીરછલ્લા વોર્ડ એ ભાવનગર ભાજપના શહેર પ્રમુખનો હોમ-ગ્રાઉન્ડ હોવાથી આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ ગણાય છે. હવે કોંગ્રેસની પેનલ તૂટતા અને હરીફ ઉમેદવાર મેદાનમાંથી હટી જતા ભાજપ માટે આ વોર્ડમાં વિજય મેળવવો અત્યંત સરળ બની ગયો છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને ભાજપ માટે શહેર પ્રમુખના વોર્ડથી થયેલી ‘શુભ શરૂઆત’ તરીકે જોઈ રહ્યા છે. હવે આ વોર્ડમાં કોંગ્રેસના માત્ર 3 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
