Bhavnagar Police Swara Project: સમગ્ર વિશ્વ જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભાવનગર પોલીસે દીકરીઓની સુરક્ષા અને જાગૃતિ માટે એક અનોખી ભેટ આપી છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ‘સ્વરા પ્રોજેક્ટ’ (Project Swara) નો ગર્વભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘સ્વરક્ષણ માટેનો સ્વર તે સ્વરા’ ના સૂત્ર સાથે શરૂ થયેલ આ અભિયાનનો હેતુ યુવતીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનો છે.
શું છે ‘સ્વરા પ્રોજેક્ટ’?
સ્વરા કોઈ ખાસ વ્યક્તિ નથી, પણ એ દરેક સામાન્ય મહિલા છે જે પોતાના રક્ષણ માટે અને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત રાખે છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયાના જોખમો અને વ્યક્તિગત સુરક્ષા વિશે માહિતગાર કરવામાં આવશે.

Bhavnagarની ગાંધી મહિલા કોલેજથી થઈ શરૂઆત
આ પ્રોજેક્ટનો પ્રારંભ ભાવનગરની જાણીતી ગાંધી મહિલા કોલેજ ખાતેથી કરવામાં આવ્યો હતો. પ્રોબેશનર એસ.પી. (IPS) મૌસમ મહેતાએ સ્વયં હાજર રહીને વિદ્યાર્થીનીઓને વિશેષ તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના ડિજિટલ યુગમાં દીકરીઓએ કેવી રીતે સચેત રહેવું જોઈએ તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.
તાલીમમાં કયા મહત્વના મુદ્દાઓ આવરી લેવાયા?
કાર્યક્રમ દરમિયાન IPS મૌસમ મહેતાએ વિદ્યાર્થીનીઓને વિવિધ મહત્વના વિષયો પર જાગૃત કરી હતી. તેમણે સાયબર સુરક્ષા અંતર્ગત ઓનલાઇન મેનિપ્યુલેશન, ફેક પ્રોફાઇલ અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે સમજાવ્યું હતું. સાથે જ, અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતી વખતે કઈ સાવચેતી રાખવી અને પોતાની વ્યક્તિગત સીમાઓ (Boundaries) કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે સોશિયલ મીડિયાની આભાસી દુનિયા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજાવીને વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રભાવમાં આવ્યા વગર સમજદારીપૂર્વક નિર્ણય લેવાની શક્તિ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી હતી.

આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં અભિયાન ચાલશે
ભાવનગર પોલીસની આ પહેલ માત્ર એક કોલેજ પૂરતી સીમિત નહીં રહે. આવનારા દિવસોમાં જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્વરા પ્રોજેક્ટ’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. પોલીસની આ કોશિશ છે કે ભાવનગરની દરેક દીકરી ‘સ્વરા’ બને અને કોઈપણ ડર વગર સમાજમાં આગળ વધે.
આ પણ વાંચો: ભાવનગર નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધે યુવકનો ભોગ લીધો
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદ, અમરેલી-ભાવનગરમાં વાવાઝોડાની શક્યતા
આ પણ વાંચો: ભાવનગરથી મુંબઈ ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ, 29 માર્ચથી ઈન્ડિગોની બે દૈનિક ઉડાન
