Gujarat Natural Farming Assistance: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી (Natural Farming) ને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી ભેટ આપી છે. રાજ્યના 33 જિલ્લાના 35,829 નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ રૂ. 6.97 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરાવી છે.
એકર દીઠ 2000ની સહાય: શું છે આ યોજના?
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વાળવા માટે સરકાર દ્વારા વિશેષ આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખરીફ અને રવી ઋતુ માટે ખેડૂતોને એકર દીઠ રૂપિયા 2000 ની સહાય પૂરી પાડવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ખેતીમાં કુદરતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ સહાય ખાસ કરીને એવા નવા ખેડૂતોને લક્ષ્યમાં રાખીને આપવામાં આવી છે જેઓ પ્રથમ વખત પ્રાકૃતિક ખેતીના આ મિશનમાં જોડાયા છે, જેથી તેઓ કોઈપણ આર્થિક ચિંતા વગર ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરી શકે.
ક્લસ્ટર આધારિત તાલીમ અને માર્ગદર્શન
રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ગ્રામીણ સ્તરે એક અત્યંત મજબૂત માળખું તૈયાર કર્યું છે, જેના ભાગરૂપે ત્રણ ગ્રામ પંચાયતો દીઠ એક ક્લસ્ટર બનાવી સમગ્ર રાજ્યમાં હાલ 1015 મિશન ક્લસ્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાકી રહેતી ગ્રામ પંચાયતોને આવરી લેવા માટે વધુ 3875 નોન-મિશન ક્લસ્ટરની રચના સાથે કુલ 4890 ક્લસ્ટરનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખેડૂતો આ પદ્ધતિ પ્રત્યક્ષ જોઈને અને અનુભવીને શીખી શકે તે હેતુથી રાજ્યભરમાં 7100 જેટલા આધુનિક મોડલ ફાર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવશે.

“બેક ટુ બેઝિક”: મુખ્યમંત્રીનો સંદેશ
ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેક ટુ બેઝિક’ ના મંત્રને અનુસરીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે. આ ખેતીથી માત્ર જમીન જ નહીં, પણ ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત થશે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા જન આંદોલનની પણ સરાહના કરી હતી.
Natural Farming: બજેટમાં મોટી જોગવાઈ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારે રૂ. 392 કરોડનું પ્રાવધાન કર્યું છે. સરકારનો લક્ષ્ય છે કે રાજ્યનો દરેક ખેડૂત દેશી ગાય આધારિત ખેતી તરફ વળે.
આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026: અંબાજીથી સોમનાથ સુધી પ્રવાસન વિકાસની મહાયોજનાઓ
આ પણ વાંચો:ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ
આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026-27: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ માટે 5 મોટી જાહેરાતો
