Gujarat weather update: સામાન્ય રીતે મે મહિનાની શરૂઆત થતાં જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો આસમાને પહોંચી જાય છે, પરંતુ આ વર્ષે મેનું પહેલું અઠવાડિયું લોકોને ગરમીથી થોડી રાહત આપતું જોવા મળી રહ્યું છે. ગરમીનો તાપ ઘટ્યો છે, પરંતુ બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે.
હવામાન વિભાગ (IMD) મુજબ હાલમાં દેશભરમાં એકસાથે પાંચ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યા છે. આ તમામ સિસ્ટમો અલગ-અલગ વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનો ખેંચી રહી હોવાથી સમગ્ર હવામાન ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે હવે ગુજરાત (Gujarat) ના હવામાનનો મિજાજ કેવો રહેશે? રાજ્યમાં વરસાદી માહોલ રહેશે કે ફરી કાળઝાળ ગરમીનું કમબેક થશે? આવો જાણીએ હવામાન વિભાગની તાજી આગાહી.
હવામાન વિભાગના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાત (Gujarat) અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. દમણમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો.
રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર થયો નહોતો. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, ગુજરાત (Gujarat) ના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું, જ્યારે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
જો કે, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની જાહેર કરાયેલી આગાહી મુજબ, રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો સક્રિય છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાત (Gujarat) માં 12 મે સુધી સામાન્ય રીતે હવામાન શુષ્ક રહેશે. જોકે, 9 મે થી 12 મે દરમિયાન દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે, જેના કારણે ઉકળાટમાં વધારો થવાની શક્યતા છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અને કંડલામાં મહત્તમ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 41.9 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી અનુભવાઈ હતી. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી અને વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 40.2 ડિગ્રી તાપમાન સાથે લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: કચ્છ બોર્ડર પર એલર્ટ: BSFએ ઝડપી પાકિસ્તાની બોટ, ડ્રગ્સ અને ડ્રોન બાદ સુરક્ષા સઘન
આ પણ વાંચો: કેસર કેરીની વાડીમાં સિંહ પરિવાર બન્યો ચોકીદાર
આ પણ વાંચો: સુરત ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટ,અગાઉ પણ આ જ સ્થળે ચાલતું હતું રેકેટ
