વિધાનસભા પછી લોકસભા/ બીજેપીએ શરૂ કરી લોકસભા ઇલેક્શનની તૈયારીઓ, 5 ડિસેમ્બરે યોજાશે ખાસ બેઠક

ભાજપ જરાય સમય વેડફવા ઇચ્છતી નથી. બીજેપીએ લોકસભા ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે

Top Stories India
Lok Sabha elections

Lok Sabha elections: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં અત્યારે બીજા તબક્કાના મતદાનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષે પ્રજાને પોતાની તરફ ખેંચવામાં કોઇ કસર નથી છોડી.  5 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ તથા 8 ડિસેમ્બરે મતગણતરી છે. ત્યારે ભાજપ જરાય સમય વેડફવા ઇચ્છતી નથી. બીજેપીએ લોકસભા ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે ભાજપે નવો રોડ મેપ બનાવી લીધો છે. ભાજપ સતત ઈલેક્શન મોડમાં એક્ટિવ રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાની હેઠળ 5 ડિસેમ્બરે ખાસ બેઠક યોજાવા જઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે બીજેપીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠક મળવા જઈ રહી છે. જેમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, મંડળ, બૂથ સમિતિથી લઈને અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાશે.

આ ઉપરાંત આ બેઠકમાં આગામી વિવિધ રાજ્યોના વિધાનસભા ચૂંટણી 2023 અને લોકસભા ચૂંટણી 2024 અંગે રોડ મેપ તૈયાર થઈ શકે છે.  ભાજપ સતત ચૂંટણીલક્ષી કાર્યોમાં જોતરાઇ રહેશે તેમાં કોઇ બે મત નથી. આ બેઠકમાં આગળ જીતવા માટેની રણનીતિ કેવી રીતે ઘડવી એની તબક્કાવાર તૈયારીઓ હાથ ધરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અહેવાલોમાં એવું પણ જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકના સમાપન સત્રને સંબોધિત કરી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે ગુજરાતના ઇલેક્શમાં ભાજપના તમામ મોટા નેતાઓએ આગેવાની હાથમાં લીધી હતી, તે જોતા લાગે છે બીજેપી લોકસભા ઇલેક્શન પોતાના નામે કરવા માટે કોઇ કસર બાકી નહીં રાખે.