gujrat election 2022/ ગુજરાતની ધરા ગજવવા બીજેપી તૈયાર, બનાવ્યો મોટો એક્શન પ્લાન..

આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે, કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે. ખાસ કરીને તો બીજેપી માટે આ ચૂંટણી જંગ ગમે તે ભોગે જીતીને ફરી એકવાર પ્રજાના દીલમાં જગ્યા બનાવવાનો છે. એટલુ જ નહીં અન્ય પક્ષને પરોક્ષ લપડાક પણ મારવાનો આ સમય છે, કે ગુજરાતમાં તો બીજેપી જ ચાલે. ત્યારે હવેગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણ માટે ભાજપે મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

બે દિવસમાં 6 જાહેરસભા

આ એક્શન પ્લાન હેઠળ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અનેક મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓની જાહેર સભાઓ અને રેલીઓ યોજવાની રણનીતિ બનાવી છે. વડાપ્રધાન મોદી 19 અને 20 નવેમ્બરે માત્ર 2 દિવસમાં 6 જાહેરસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહની સાથે, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ 3-3 રેલીઓ કરશે. જાહેર સભાઓ માટે એક્શન પ્લાન – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જામનગર ગ્રામ્ય, ભરૂચ અને સુરતમાં રેલીઓ કરી શકે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતની ધરા પર

જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સુરેન્દ્રનગર અને ભાવનગરમાં બે-બે રેલીઓ કરશે. અનુરાગ ઠાકુર સુરત વિસ્તારમાં 4 રેલી પણ કરશે. આ સાથે ફગ્ગન સિંહ કુલસ્તે ગુજરાતમાં 3 જાહેરસભાઓ પણ કરશે. ગાઝિયાબાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ 2 જાહેરસભાઓ કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ મોરબી, માંડવી, કચ્છ અને ભાવનગરમાં 4 જાહેરસભાઓ કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ ગુજરાતમાં ભારે માંગ છે. વાંકાનેર, જીગડીયા, ભરૂચ અને સુરતમાં યોગીની જાહેર સભાઓ યોજાશે.

યુવાનોને ધ્યાનમાં રાખી પ્રચાર

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વિવિધ વિસ્તારોમાં 4 જાહેરસભાઓ કરશે. આ સાથે જ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પણ 3 જાહેરસભાઓ કરશે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની ગુજરાતના યુવાનોમાં ઘણી માંગ જોવા મળી રહી છે. સૂર્યા વિવિધ વિસ્તારોમાં 3 જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત, યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય એવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કેટલીક જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે ભાજપ તમામ રેકોર્ડ તોડી નાંખવાના મુડમાં છે. જેના કારણે તમામ મોટા નેતાઓ ગુજરાતની ધરા ગજાવવા આવી રહ્યાં છે. પ્રથમ ચરણના એક્શન પ્લાન પર બીજા ચરણનો મદાર રહેલો છે. જેના લીધે બીજેપી એટીચોટીનો દાવ લગાવવાની તૈયારી સાથે જબરદસ્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે.