Gandhinagar News : ગુજરાત વિધાનસભાના ગૃહમાં મંગળવારે (25 માર્ચ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન ભાજપ (BJP)ના જ ધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાની સરકારના આરોગ્ય વિભાગની કાર્યપદ્ધતિ પર આંગળી ચીંધી હતી. તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડને લઈને ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કિશોર કાનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, PMJAY કાર્ડને એક્ટિવ કરવામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. સર્વર ડાઉનના કારણે 4થી 5 દિવસ સુધી કાર્ડ એક્ટિવ થતા નથી, જેના પરિણામે ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં સમયસર સારવાર મળતી નથી. આ એક ગંભીર બાબત છે અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવું જોઈએ.
વધુમાં, તેમણે જાહેર રજાઓના દિવસોમાં કાર્ડમાં સુધારા-વધારા કરવાની સુવિધા ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, રજાના દિવસે કચેરીઓ બંધ હોવાથી લોકોને તેમના કાર્ડમાં જરૂરી ફેરફાર કરાવવા માટે રાહ જોવી પડે છે, જે દર્દીની તાત્કાલિક જરૂરિયાતના સમયે મુશ્કેલી ઊભી કરે છે.
આ સમસ્યાઓના નિવારણ માટે કિશોર કાનાણીએ સરકારને સૂચન કર્યું હતું કે, PMJAY સંબંધિત કચેરીઓ 24 કલાક કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને ગમે ત્યારે જરૂર પડે તો લોકોને કાર્ડ સંબંધિત સેવાઓ મળી રહે અને તેમને સારવાર માટે રાહ જોવી ન પડે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની અમલવારીમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવી જોઈએ.
એક તરફ સરકાર ગરીબોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે, ત્યારે બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ પ્રકારના મુદ્દા ઉઠાવવાથી સરકારની કામગીરી પર સવાલ ઊભા થયા છે. કિશોર કાનાણીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, યોજનાના અમલીકરણમાં હજુ પણ ઘણી ખામીઓ છે, જેને દૂર કરવાની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું પગલાં લે છે અને ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલીઓનું ક્યારે નિવારણ લાવે છે.
આ પણ વાંચો:રમઝાન દરમ્યાન મુસ્લિમ દેશ મલેશિયામાં સર્જાય છે લોકડાઉન જેવી સ્થિતિ
આ પણ વાંચો:મલેશિયાની સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઇસ્લામિક કટ્ટરપંથીઓ નારાજ, કોર્ટના નિર્ણયની કરી નિંદા
આ પણ વાંચો:મલેશિયાના પૂર્વ વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું