Chennai News : ચેન્નાઈમાં અભિનેતા અને ફિલ્મમેકર એસજે સૂર્યાની આગામી ફિલ્મ ‘કિલર’ના શૂટિંગ દરમિયાન થયેલા દુર્ઘટનાજનક અકસ્માતે ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધો છે. બુધવારે વહેલી સવારે ફિલ્મના સેટ પર ગેસ સિલિન્ડર ફાટતાં (Blast)એક ટેકનિશિયનનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
માહિતી મુજબ, ચેન્નાઈના પેરામ્બુર વિસ્તારમાં આવેલા બિન્ની મિલ્સ કોમ્પ્લેક્સમાં ફિલ્મના એક વિસ્ફોટક દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઉપયોગમાં લેવાયેલ બલૂન ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ (Blast) થયો હતો. ઘટનામાં 26 વર્ષીય ટેકનિશિયન માધન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં શક્તિવેલ, સૂર્યા અને દિનાકરણ સહિત અન્ય ત્રણ ટેકનિશિયન પણ ઇજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં મોટા ભાગના સ્પેશિયલ ઇફેક્ટ્સ વિભાગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને વિસ્ફોટ (Blast)પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેમજ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે કેમ તે મુદ્દે તપાસ ચાલી રહી છે.
ઘટના બાદ ‘કિલર’ ફિલ્મનું શૂટિંગ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. એસજે સૂર્યા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
તાજેતરના વર્ષોમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ દરમિયાન અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ફિલ્મ સેટ પર કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.
