Ahmedabad News: સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં બોમ્બના મેસેજના કારણે ચકચાર મચી ગઈ છે. આ ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે બોમ્બ હોવાનો મેસેજ મળતા રેલ્વે પોલીસની સાથે વિરમગામની પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે પણ મેસેજ કરનારાની શોધખોળ કરી હતી. વિરમગામ રેલ્વે સ્ટેશને તપાસ આદરવામાં આવી હતી. આ તપાસમાં નવો જ ફણગો ફૂટ્યો છે.
બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી
આરોપીએ અગાઉ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બબાલ કરી હતી. મગફળીના ભાવના મુદ્દે વેપારી પિતાપુત્ર સાથે બબાલ કરી હતી. તેના પછી આરોપીએ રેલ્વે સ્ટેશન બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી હતી. 100 નંબર પર કોલ કરીને આરોપીએ ધમકી આપી હતી. રાજકોટ અને જામનગર રેલ્વે સ્ટેશનોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મામલાની ગંભીરતા લઈને પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને વિરમગામ વિભાગે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જબલપુર-સોમનાથ ટ્રેનને ઊભી રાખીને ચેકિંગ કર્યુ હતુ. આ તપાસમાં આરપીએફ, એલસીબી, એસઓજી અને ડીવાયએસપી પણ જોડાયા હતા.
અજાણ્યા ઇસમ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. તેની સાથે-સાથે સોમનાથ-જબલપુર ટ્રેનમાં પણ બોમ્બ ની તપાસ આદરી હતી. તપાસ દરમિયાન રવિરાજ રણજીતસિંહ જાડેજા નામના યુવક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. રેલ્વેએ હેલ્પલાઇન પર ફોન કરીને આ માહિતી આપી હતી. રેલ્વે પોલીસે ટ્રેનમાં પણ હાથ ધરી હતી. પછી રેલ્વે પોલીસે આ સંદેશો મોકલનારા યુવકને અટકાયતમાં લીધો હતો.
રેલ્વે પોલીસે આ રવિરાજ નામના યુવકની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને પૂછપરછ દરમિયાન જ લાગ્યું કે તેણે આપેલી માહિતીનો કોઈ આધાર નથી, આ સિવાય પોલીસની પૂછપરછ દરમિયાન પણ યુવાન રવિરાજ અસંબદ્ધ બોલતો હોવાનું લાગ્યું હતું. પોલીસનું માનવું છે કે આ યુવાન માનસિક રીતે અસ્થિર છે અને તેણે કોઈ ડરના ઓછાયા હેઠળ આ પ્રકારે પોલીસને સંદેશો આપ્યો છે. આમ પોલીસને સંદેશો આપનારા યુવકની માનસિક સ્થિતિ અંગે શંકા છે.
આમ છતાં પણ પોલીસે તેનો મોબાઇલ ફોન કબ્જામાં લીધો છે અન તેણે છેલ્લે કોની સાથે વાત કરી હતી તેની પણ ચકાસણી શરૂ કરી છે. હાલમાં તો કશું ન મળવાના કારણે પોલીસે નિરાંતનો દમ લીધો છે અને ટ્રેનને જવા દીધી છે. તેની સાથે ટ્રેનના ડ્રાઇવરને સતત એલર્ટ રહેવા પણ જણાવ્યું છે. પોલીસ એક વખત તે યુવકની માનસિક સ્થિતિ સ્પષ્ટ થઈ જાય પછી તેને છોડી દેશે તેમ મનાય છે.
