એકતાનગર/ BSF મહિલા અને 15 જવાનોએ મળી કર્યું 30 બાઈકર્સ રેલીનું કરાયું ફ્લેગ

દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે. પંજાબના અટારી બોર્ડરથી શરૂ થયેલી બીએસએફની બાઈકરેલી ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપી એકતાનગર આવી પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.

Gujarat Others
બાઈક રેલી

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ કરતા અટકે તેવા શુભ આશયથી પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી નીકળી હતી. આ બાઈક રેલી દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને અંદાજે ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ની સાંજે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચી હતી.

આ રેલીનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં બીએસએફના આઈ.જી. જી.એસ. મલિક, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ સહિત જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરી ફ્લેગ ઈન (સમાપન) કરવામાં આવ્યું હતું.

BSF ની બાઈક રેલીના સમાપન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અટારી બોર્ડરથી શરૂ કરાયેલી ભારતીય સેનાની બાઈક રેલી દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈને સ્વતંત્રતા બાદ દેશના રજવાડાઓને એકઠા કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે આવી પહોંચી છે, ત્યારે આ સુરક્ષા જવાનોની દેશભાવના જોઈ અત્યંત ગર્વની લાગણી અનુભવ છું.

દેશની તમામ સુરક્ષા પાંખો અને તેમાં સેવારત જવાનો પરિવારની પણ ચિંતા કર્યા વિના સમાજ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે છે. તેઓ દેશની સીમાની સુરક્ષા તો કરે જ છે પણ જનતામાં એકતાનો સંદેશો ફેલાવી જાગૃત્તિનું કામ પણ કરી રહી છે. દેશની સુરક્ષા અને સેવામાં જોડાયેલી બહેનો જેઓ મહિલાઓના રાષ્ટ્રપ્રેમની ભૂમિકા દર્શાવે છે.

વધુમાં સાંસદએ જણાવ્યું હતું કે, દેશને “સમૃદ્ધ રાષ્ટ્ર” બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા આ બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય કાર્ય છે. આપણે સૌ નાગરિકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈને સમૃદ્ધ રાષ્ટ્ર અને મહાન ભારતના નિર્માણમાં સહભાગી બનીએ તેમ તેઓએ ઉમેર્યું હતું.

દેશમાં નશાકારક દવાઓનો દુરઉપયોગ રોકવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના અભિયાન સાથે અઢારી બોર્ડરથી તા.૨ જી ઓક્ટોબરના રોજ રવાના થયેલી બાઇક રેલીમાં બીએસએફના ૩૦ બાઈકર્સ જેમાં ૧૫ પુરુષ અને સીમા ભવાનીની ૧૫ મહિલા રાઈડર્સ સામેલ હતી. આ રેલી જલંધર, અબોહર, બિકાનેર, જોધપુર, ઉદયપુર, માઉન્ટ આબુ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને ગુજરાતમાં પાલનપુરથી પ્રવેશ કરી ગાંધીનગર, વડોદરા થઈને કુલ ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓકટોબર,૨૦૨૨ ને મંગળવારના રોજ એકતાનગર (કેવડીયા) ખાતે આવી પહોંચતા રેલીનું સમાપન કરાયું હતું.

આ અવસરે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફના જવાનો અને મહિલા સીમા ભવાની બાઇકર્સ ગ્રુપ દ્વારા વિવિધ કરતબો દર્શાવાયા હતા. આ રાઇડર્સ ગ્રુપે તેમના કરતબો દર્શાવી અગાઉ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું સ્થાન અંકિત કર્યું છે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફની બેન્ડ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી પણ પ્રસ્તુત કરાઈ હતી. બીએસએફના જવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ભાંગડા નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને બતાવેલી આરોગ્યની ગુરુચાવી એવા યોગાનું બીએસએફ ગુજરાત વિંગ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.

માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, બીએસએફના જવાનોની બાઈક રેલી દેશના અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈને આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આવી છે. આ રેલીમાં જવાનોએ ફક્ત બાઈક પર સવાર થઈને પ્રવાસ નથી કર્યો, પરંતુ જ્યાં જ્યાંથી રેલી પસાર થઈ છે ત્યાં ગામડાઓમાં જઈને રાષ્ટ્રીય એકતા વિશેની લોકોને માહિતી આપી છે. જનજાગૃત્તિના અનેક કાર્યક્રમો કર્યા છે. તેમાં સૌથી વધારે ખુશી અને આનંદની વાત એ છે કે, જે મહિલાઓની ટીમ છે તે મહિલાઓની જાગૃત્તિ માટે રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ પણ કેવી રીતે યોગદાન આપી શકે છે તેના વિશે સમજણ આપી છે તે ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે. દેશના પ્રધાનમંત્રીશ્રી પણ ઈચ્છે છે કે, રાષ્ટ્રની એકતા બની રહે જેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમણે સ્થાપના કરી છે. આખા દેશને જોડવાનું કામ જવાનો દ્વારા આવા કાર્યક્રમના માધ્યમથી થઈ રહ્યું છે તે ખરેખર સાચા અર્થમાં રાષ્ટ્રની એકતાને જોડવા માટે પ્રેરણા આપનારું છે. દેશની સુરક્ષાની સાથે સાથે સાચા અર્થમાં લોકોમાં દેશ પ્રત્યેની સાચી ભાવના પેદા થાય તેવા પ્રકારનું કામ સુરક્ષા જવાનો કરે છે. જવાનોએ રાષ્ટ્રને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. જે ખરેખર દેશને મહાસત્તાક તરફ લઈ જવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હું પૂરું થતું જોઈ રહ્યો છું.

બીએસએફના આઈજી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, બીએસએફના ૩૦ બાઈક રાઇડર્સ જેમાં ૧૫ પુરુષ અને ૧૫ મહિલાઓની ટીમ તા.૨ જી ઓકટોબરના રોજ પંજાબના વાઘા બોર્ડરથી નીકળી હતી. જે આજરોજ અહીં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી છે. જેનું ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા સ્વાગત કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે રસ્તામાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના જગાવવા સાથે બીએસએફમાં ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની સમજણ આપી યુવાધનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ નશીલી દવાઓના ઉપયોગથી થતા નુકસાન અંગેની સમજણ નાગરિકોને પૂરી પાડી હતી. આ રેલી અંદાજે ૨૧૬૮ કિ.મી. વિસ્તારમાંથી પસાર થઈ છે. બીએસએફ દ્વારા ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા સાંભળવામાં આવે છે. તેની સાથે આવા પ્રકારના કાર્યક્રમો કરીને લોકજાગૃત્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડવાનું કાર્ય પણ બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેના આ બાઈક રેલીના સમાપન પ્રસંગે બીએસએફ સ્ટેટ હેડક્વાક્ટરના ગાંધીનગરના ડીઆઈજી ભૂપેન્દર સિંઘ, ડીઆઈજી/જી શ્રી એમ.એલ.ગર્ગ, ડીઆઈજી સુકુમાર સારંગી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત, ૨૧૫ થી વધુ પોલીસ જવાનો, ૧૦૫ એનસીસી કેડેટ્સ સહિત અન્ય મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો:નેપાળમાં વરસાદ બન્યો મુસીબતોનો વરસાદઃ 33ના મોત અને હજારો વિસ્થાપિત

આ પણ વાંચો: મિગ-29K ફાઈટર પ્લેન ક્રેશ, ટેક્નિકલ ખામીના કારણે ગોવા કિનારે સર્જાયો અકસ્માત, જાણો કેવી છે પાયલોટની હાલત

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી ફરી બનશે ગુજરાતનાં મહેમાનઃ  19મી ઓકટોબરે આવશે રાજકોટ