Call Center Scam/ કોલ સેન્ટર કાંડઃ સીનિયર આઇપીએસે 300 કરોડ રૂપિયા ઘરભેગા કર્યાની ચર્ચા

રાજ્યમાં ગેરકાયદેસરના કોલસેન્ટરોનો ધમધમાટ ચાલતો હતો, તે સમયના આઇપીએસ ઓફિસરે ગેરકાયદે કોલ સેન્ટરોને છૂટ્ટો દોર આપીને 300 કરોડ રૂપિયા ઘરભેગા કર્યા હોવાની ચર્ચા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 20 કોલ સેન્ટર કાંડઃ સીનિયર આઇપીએસે 300 કરોડ રૂપિયા ઘરભેગા કર્યાની ચર્ચા

અમદાવાદઃ રાજ્યમાં ગેરકાયદેસરના કોલસેન્ટરોનો ધમધમાટ ચાલતો હતો, તે સમયના આઇપીએસ ઓફિસરે ગેરકાયદે કોલ સેન્ટરોને છૂટ્ટો દોર આપીને 300 કરોડ રૂપિયા ઘરભેગા કર્યા હોવાની ચર્ચા છે. ગુજરાત સરકારની નીતિ હંમેશા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની રહી છે, પણ હવે આ નીતિનો અમલ પોલીસ વિભાગ પણ કરવા માંડ્યું છે, પણ અનીતિથી કરી રહ્યુ છે.

આ વરિષ્ઠ આઇપીએસ અધિકારીના કાર્યકાળ દરમિયાન જુદા-જુદા પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારમાં કોલસેન્ટર શરૂ કરવા રીતસરની પડાપડી કરતા હતા. ગુજરાતમાં રીતસરના ઉદ્યોગપતિઓ ઉદ્યોગ માટે લાઇન લગાવે તે રીતે પોલીસ અધિકારીઓમાં કોલ સેન્ટર તેમના ત્યાં ખોલાય તે માટે રીતસરની પડાપડી થતી હતી.

અમદાવાદમાં એક સમયે 2017 અને 2018ના વર્ષમાં કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો હતો. આ કોલ  સેન્ટરો એક સીનિયર આઇપીએસની છત્રછાયા હેઠળ પાંગર્યા હતા. આઇપીએસ અધિકારી એક-એક કોલ સેન્ટર દીઠ જંગી રકમ પડાવતો હતો.

પણ ખોટું કેટલો સમય ચાલે. કોલ સેન્ટરોને છાવરવા બદલ આ અધિકારી સામેની ફરિયાદ છેક દિલ્હી સુધી પહોંચતા પછી તેમની તાત્કાલિક બદલી થઈ હતી. તેના પછી રાજ્યમાં ગેરકાયદેસરના કોલ સેન્ટરો પર પોલીસ ત્રાટકતા આ કોલ સેન્ટરોને તાળા વાગવા માંડ્યા હતા. પોલીસે એકલા અમદાવાદમાંથી જ પંદર ગેરકાયદે કોલ સેન્ટર પકડ્યા હતા.

તેના પછી કોલ સેન્ટરના સંચાલકો સામે પોલીસે પાસા લગાવવા માંડતા રાજ્યમાં એક પછી એક કોલ સેન્ટરો બંધ થવા લાગ્યા હતા. તેમા પણ 2022માં સાઇબર ક્રાઇમ, શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચે તો 15 જેટલા સ્થળોએ દરોડા પાડી કેસ કર્યો હતો.

આ પહેલા કોલ સેન્ટર કૌભાંડમાં પકડાતા શખ્સો કોર્ટમાંથી સરળતાથી છૂટી જતાં હતા. તેના પછી સાઇબર ક્રાઇમ સામે સરકારે લાલ આંખ કરતા તેમા પકડાયેલા શખ્સોની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેના લીધે કોલ સેન્ટરના કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેના પછી તેની સાથે-સાથે સીબીઆઇએ પણ દેશભરમાં ગેરકાયદેસરના કોલ સેન્ટરો પર ત્રાટકવાનું શરૂ કર્યુ હતું. કોલ સેન્ટર કાંડમાં અમદાવાદમાં પોલીસ 60થી વધુ લોકોને પકડી ચૂકી છે.

બીજો કોઈ મોટો આઇપીએસ અધિકારી છત્રછાયા આપવા તૈયાર ન થતાં કોલ સેન્ટર કૌભાંડના છપાયેલા કાટલાઓએ હવે ચંદીગઢ, ગોવા, નોઇડા અને દિલ્હી જેવા સ્થળોએ ફરીથી ગેરકાયદેસરના કોલ સેન્ટર શરૂ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ અને આ રાજ્યોમાં ગેરકાયદેસરનું કોલ સેન્ટર શરૂ કરવાનો રેટ એક લાખથી લઈને દસ લાખની રેન્જમાં ચાલે છે. તેઓ કેટલા માણસોનું કોલ સેન્ટર સ્થાપવા માંગે છે તેના પર તેનો આધાર છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ