ટ્રેન કે બસમાં મીઠી નિંદર માણવી એક આમ વાત છે. ઘણાં મુસાફરો ટ્રેનમાં સુઇ જતા હોય છે. ઘણીવાર ઊંઘવામાં તમે તમારુ સ્ટેશન પણ ચુકી જતા હોવ છો. તો જો તમે ટ્રેનમાં ઊંઘી જાઓ અને દંડ ચૂકવવો પડે તો? શું આવું શક્ય છે? હકીકતમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય રેલવે (Indian Railways) પોતાની સિસ્ટમમાં ફેરફારની તૈયારી કરી રહ્યું છે. જેમાં મુસાફરી દરમિયાન વધારાનું ભાડુ આવા ઊંઘણશીઓ પાસેથી વસૂલવાની વાત કરવામાં આવી હતી.
વાયરલ રિપોર્ટ અનુસાર જે યાત્રી ટ્રેનમાં નિંદ્રાધીન થઇને સફર કરવા માંગે છે તેમની પાસેથી રેલવે 10 ટકા વધુ ભાડું વસૂલ કરી શકે છે. જો કે, રેલવએ આ રીતે ભાડું વધારવાની કોઇ યોજના બનાવી નથી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ આનુ ફેક્ટ ચેક કરીને આ દાવાની સચ્ચાઇ જણાવી છે.
પીઆઇબીએ આ અંગે જાણકારી આપતા ટ્વિટ કર્યું કે કેટલાક મીડિયા રિપોર્ટમાં આ પ્રકારના દાવા કરાયા છે જે ભ્રામક છે. આ રેલવે બોર્ડને આપવામાં આવેલી એક ભલામણ માત્ર હતી. રેલવે મિનિસ્ટ્રીએ આવી કોઇ જાહેરાત કરી નથી. જે રિપોર્ટ હતા તેમાં બેડ રોલનું ભાડું હાલના 25 રુપિયાથી વધારીને 60 રુપિયા કરવાની પણ વાત કરવામાં આવી હતી. જો કે રેલવેએ તેનો પણ ઇન્કાર કર્યો છે.