Kutch News : કચ્છમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉમંગ સાથે ઉજવણી કરવામાંઆવી હતી. બીજીતરફ મટકી ફોડ ઉજવણી વખતે વિજપોલ 12 વર્ષના બાળક પર પડતા તેનું મોત નીપજ્યુ હતું. આમ ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા અહીં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વિજપોલ અચાનક ધરાશાઈ થયો અને 12 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર મળે તે પહેલાજ કરુણ મોત નિપજ્યું હતું.

આ કરુણાતિકાથી ગામ સાથે વાગડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બીજીતરફ ઘટનાના 10 સેકન્ડના વીડિયોએ લોકોને હચમચાવી દીધા…આ અંગે ગામના સરપંચ વેલા જેસા પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ગઈકાલ સાંજે લગભગ 7.15 વાગ્યાના અરસામાં જુના ગામ વિસ્તારમાં ચાલી રહેલા મટકી ફોડના ધાર્મિક પ્રસંગ વેળાએ અચાનક રસ્સો બાંધેલો વિજ પોલ કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ઉપર પડ્યો હતો. એ દરમિયાન નીચે ઉભેલી વસ્તીમાં ભાગદોડ મચી ગઇ હતી, જોકે કમનશીબે ત્યાં ઉભેલો 12 વર્ષીય જયેશ લાલજી વરચંદ નામનો બાળક વિજપોલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઇજા પામ્યો હતો.

જેને પ્રથમ મોટા ગામના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પૂર્વજ તેનું મૃત્યુ થયું હતું.ગોઝારી ઘટનાથી સમગ્ર ગામમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે.

ખેડૂત પરિવારના 5 બહેન અને 2 ભાઈમાંથી એકનું અકસ્માતે મોત થતા સમગ્ર ચોબારી આજે પોતાના નિયમ મુજબ રોજગાર ધંધા બંધ રાખશે. ગોકુળ અષ્ટમીએ આવી ઘટના બની હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. આજે 10 વાગ્યે હતભાહીની અંતિમવિધિ યોજાશે.
આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
