સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર મહિલા હેલ્પ લાઇન ૧૮૧ને છોકરીની ઉમર નાની હોઇ અને તેના લગ્ન થાય છે એવી ફરિયાદ મળેલ હતી. મહિલા હેલ્પલાઈન ૧૮૧ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સુરેન્દ્રનગર તથા થાનગઢ પોલીસને જાણ કરાતા થાનગઢ તાલુકાના જામવાડી ગામે રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેને ધ્યાને લઈ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જયપાલભાઈ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા અને થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એચ.ગોરી દ્વારા ૧૮૧ની ટીમને સાથે રાખી જામવાડી ગામે લગ્ન સ્થળની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ છોકરીની ઉંમર ૧૮ વર્ષ કરતા ઓછી નહીં અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી ઓછી ન હોવી જોઇએ. જે મુજબ જન્મના પુરાવાઓ ચકાસતા છોકરીની ઉંમર ૧૫ વર્ષ માલુમ પડતા પરિવારના સભ્યોને કાયદાકીય સમજ આપી અને આ બાળ લગ્ન મોકૂફ રાખવામાં આવેલ છે.