WELL PLANNED/ વિરમગામ બેઠક ઉપર ભાજપની સ્થિતિ મજબૂત

ઇલેક્શનને ઇવેન્ટની જેમ આયોજતી અને ઉજવતી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી 2022માં જીતનું રણશિંગુ ફુંકાવા માટે અત્યારથી ડગલું વિચારીને ભરી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Trending
ભાજપ

ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે. ઇલેક્શનને ઇવેન્ટની જેમ આયોજતી અને ઉજવતી ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022માં જીતનું રણશિંગુ ફુંકાવા માટે અત્યારથી ડગલું વિચારીને ભરી રહી છે. કેટલીક બેઠકો ઉપર તો ભાજપ ની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસ તરફી જણાતી બેઠકોને પોતાને નામ કરવા માટે ભાજપ સસપેન્ડ થયેલા અથવા પાર્ટીને છોડીને ગયેલાને પણ પરત બોલાવી મહત્વના સ્થાન આપી રહી છે. આવું જ કઈક વિરમગામની બેઠક પર થયું છે. અત્યારસુધી કોંગ્રસની ઝોળીમાં જતી બેઠક ઉપર ભાજપે તેની પકડ મજબૂત કરી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, સાણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ પટેલ, બોપલ-ઘુમા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગોવિંદભાઇ કોળી પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શક્તિસિંહ વિક્રમસિંહ ચાવડા, પૂર્વ નગરપાલિકા સદસ્ય બોપલ રામભાઇ નાથાભાઈ પટેલ, દલિત સમાજ આગેવાન અશ્વિનકુમાર ગેલાભાઈ ચાવડા, દલિત આગેવાન મનસુખભાઈ સામતભાઈ ધોરણીયા, સામાજિક આગેવાન-કોળી પટેલ સમાજ સરપંચ-સાકોલ ગ્રામ પંચાયતના ચંદુભાઈ પટેલ, પૂર્વ ડિરેક્ટર સાણંદ એ.પી.એમ.સી બળદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ગુજરાતના રાજકારણમાં જીતો નહીં તો સામેના પક્ષના મત તોડો એ નીતિ ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ, હવે આપ પણ એકબીજા પક્ષના મત તોડવા સતત પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે  વિધાનસભા ઇલેક્શન 2022માં મિશન 150 બેઠક મેળવવા માટે ભાજપનું કોંગ્રેસની વૉટબેંકમાં ગાબડાં પાડવાની ચાલ ચાલી રહી હોય એવું જોવા મળે છે. કારણકે કોંગ્રેસની મોટાભાગની વૉટબેંક ઓબીસી, કોળી પટેલ, દલિત અને મુસ્લિમ સમાજ વધુ છે ત્યારે ભાજપે વિરમગામમાં દલિત, કોળી પટેલ અને નાળોદા રાજપૂત એમ દરેક સમાજના આગેવાનોને ભાજપમાં વાપસી કરાવી તમામ સમાજને પોતાના તરફ કરવાની કોશિશ કરી હોય એમ જણાય છે. ભાજપે સસ્પેન્ડ થયેલા અથવા અન્ય પક્ષમાં ગયેલા લોકોને ભાજપમાં ફરીથી સ્થાન આપી વિરમગામ અને સુરેન્દ્રનગર સહિત આસસપાસના વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે.

આ પણ વાંચો :સોમનાથ મંદિરને અપાતા દાન પર મળશે ટેક્સમાં રાહત, શું વિધાનસભા ચૂંટણીના કારણે લેવાયો નિર્ણય?