Not Set/ પોરબંદરનાં રસ્તાઓ ઉપર ફરીથી દોડશે સિટીબસ : જાણો ક્યા રૂટનો સમાવેશ

આ બસ પોરબંદર છાયા પાલિકાના મુખ્ય વિસ્તારોમાં દોડશે. જેમાં જીલ્લા સેવા સદન, સાંદિપની, નવી કોર્ટ, ધરમપુર, બોખીરા, છાયા અને જ્યૂબેલી સહિતના રૂટ પર દોડશે.

Gujarat Others
સિટી

પોરબંદરમાં છેલ્લા પાંચ વર્ષથી સિટીબસ સેવા બંધ થઈ હતી. અનેક રજુઆત બાદ શહેરમાં સિટીબસ સેવા શરૂ કરવા સરકારે પરવાનગી આપી છે. તંત્રની આ પરવાનગી બાદ હવે શહેરના ૧૧ જેટલા રૂટ પર  સિટીબસ દોડશે.

પોરબંદરમાં વર્ષ ર૦૧૬માં  સિટી બસ બંધ થઈ હતી અને ત્યારબાદ ર૦૧૮માં  સિટી બસ સેવા ફરી શરૂ થઇ હતી પરંતુ તે પણ ચાર માસના ટૂંકા ગાળામાં ફરીથી બંધ થઈ હતી. પોરબંદરમાં વર્ષોથી ચાલતી  સિટી બસ સેવા પોરબંદરવાસીઓ માટે એક આશીર્વાદ રૂપ હતી. પરંતુ સપ્ટેમ્બર-ર૦૧૬માં એક ખાનગી કંપનીને સોંપેલો  સિટી બસ સેવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો હતો અને ત્યારબાદ પાલિકા તંત્ર્એ નવા કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપ્યો પણ આ સિટી બસ સુવિધા થોડા સમયમાં જ બંધ થઈ ગઈ હતી. જેથી પોરબંદરવાસીઓને  ફરીથી ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો હતો.  સિટી બસ શરૂ ન થતા સિનીયર  સિટીઝનો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને મસમોટા રીક્ષાઓના ભાડા ચુકવવા પડી રહ્યા હતો.  સિટી બસ બંધ થવાથી રીક્ષાચાલકો બેફામ બન્યા હતા. કેટલાક રીક્ષાચાલકો લઇ મનફાવે તેવા ભાડા વસુલી રહ્યા છે ત્યારે  સિટી બસ શરૂ કરવા અનેક વખત રજૂઆતો ઉઠવાને પગલે સરકાર દ્વારા મુખ્યમંત્રી  શહેરી બસ સેવા યોજના અંતર્ગત મંજૂરી મળી છે. આથી પાલિકા દ્વારા  સિટી બસ શરૂ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને વહેલી તકે  સિટી બસ શહેરના માર્ગો પર દોડતી થશે તેવું ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું છે.

આ બસ પોરબંદર છાયા પાલિકાના મુખ્ય વિસ્તારોમાં દોડશે. જેમાં જીલ્લા સેવા સદન, સાંદિપની, નવી કોર્ટ, ધરમપુર, બોખીરા, છાયા અને જ્યૂબેલી સહિતના રૂટ પર દોડશે. અંતે છ વર્ષ બાદ  સિટી બસ સેવા શરુ થવાના એંધાણ વર્તતા શહેરીજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળે છે.

આ પણ વાંચો : ચૂંટણી આવે તે પહેલા દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરતાં આવી જાય છે : પાટીલ