ગુજરાતમાં ધીરે-ધીરે શિયાળો જામી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ હવામાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાને લઈને આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં માવઠાની અસરના કારણે ખેતીની નુકસાન થયું હતું. ખેડૂતો બદલાતા વાતાવરણને લઈને હજુ પણ ચિતિંત છે. ત્યારે હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નકારતા ખેડૂતોને રાહત થઈ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ માવઠાંના કોઈ અણસાર નથી. જ્યારે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ્યાં કમોસમી વરસાદના વરતારા હતા ત્યાં હવે હવામાન સૂકુ રહેશે તેવી આગાહી કરવામાં આવી. રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.
ગુજરાતમાં દિવસ દરમ્યાન તાપમાન ઓછું નોંધાયું છે. તો નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ. જો કે હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે આગામી ચાર દિવસ વરસાદની સંભાવના નહિવત હોવાની આગાહી કરી. દિવસ દરમ્યાન તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધશે તેમજ રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી. નોંધનીય છે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર ભારે વરસાદ જોવા મળ્યો. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની ગુહાર પણ લગાવી છે. જયારે હાલમાં હવામાન વિભાગે રાજ્યમાં દાહોદ સિવાય અન્ય સ્થાનો પર વરસાદ નહિવત સંભાવનાની આગાહી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે.