Nadiad News: GIDCના ભૂતપૂર્વ અધિકારી સામે જલાશ્રય રિસોર્ટ મામલે ફરિયાદ નોંધાઈ છે. ભ્રષ્ટાચારના નાણાથી તેમણે નડિયાદ સ્થિત વૈભવી રિસોર્ટ જલાશ્રય બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જમીન ખરીદીમાં ગેરરીતિ અને કરોડો રૂપિયાના ગોટાળાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવક કરતાં વધુ પ્રમાણમાં સંપત્તિ એકત્ર કરવાની તેમના પર શંકા છે. ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે જોડાયેલા કેસમાં તપાસ ચાલુ છે.
આ ફરિયાદ તે વાતનો પુરાવો છે કે ગુજરાતના સરકારી નિગમોના બાબુઓ કેવો ભ્રષ્ટાચાર આદરે છે. પોતાના ખિસ્સા તેઓ એટલા ભરી દે છે કે તેમને ત્યાં રૂપિયા રીતસરના છલકાય છે અને બીજી બાજુએ રાજ્યની અડધી વસ્તી આજે પણ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ લે છે. તે સમયે આવા ભ્રષ્ટ સરકારી બાબુઓ કાળી કમાણી કરીને જલસા કરે છે. તેમણે આદરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવી જરૂરી થઈ પડે છે.
તેમના ભ્રષ્ટાચારનો આધાર આવકની તુલનાએ અપ્રમાણસર સંપત્તિ પરથી જ મળી આવે છે. કોઈ સરકારી અધિકારી એટલી બધી તો કઈ કમાણી કરી શકે કે તે પછી પોતાનો વૈભવી રિસોર્ટ શરૂ કરે. સામાન્ય વેપારીઓને ત્યાં દરોડો પાડતો આવકવેરા વિભાગ સરકારી બાબુઓને ત્યાં દરોડા પાડવાની વાત આવે તો કેમ પાછી પાની કરે છે. તેના માટે તે શું કામ મંજૂરીઓની રાહ જુએ છે. તંત્ર મંજૂરીઓની રાહ જોતું રહી જાય ત્યાં સુધીમાં તો ગુનેગારે ફક્ત ગેરકાયદે રૂપિયા જ નહી તેનો હિસાબ પણ સગેવગે કરી દીધો હોય છે.
બીજી બાજુએ આ જ તંત્ર સામાન્ય કે મધ્યમ વેપારી હોય તો તેની પાછળ પડી જાય છે. તેને નોટિસ ફટકારી દેતા પણ ખચકાતું નથી. હવે શું તે આ ચમરબંધી કહેવાતા અધિકારી સામે ખરેખર કાર્યવાહી કરી શકશે કે નહીં તે જોવાનું છે.
આ પણ વાંચો: વિદેશ નોકરીના નામે ઠગાઈ: નડિયાદના યુવકને દુબઈમાં બાંધી રાખી મારપીટ, પાસપોર્ટ જપ્ત
આ પણ વાંચો: નડિયાદમાં મનપાને ખુલ્લો પડકાર, રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલાનો પ્રયાસ
આ પણ વાંચો: નડિયાદમાં બેફામ બાઇકરે સાત વર્ષની બાળકીનો ભોગ લીધો
