પ્રત્યાઘાત/ કોંગ્રેસે સદસ્યતા રદ કરવા સામે આંદોલનની જાહેરાત કરી, આવતીકાલે રાહુલ ગાંધી કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સંસદીય સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે

Top Stories India
Cancel Membership

Cancel Membership: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સંસદીય સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના તમામ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ પર લેવાયેલી આ કાર્યવાહી પર પાર્ટીના નેતાઓ હવે બેઠકમાં સામેલ થયા છે અને આગળની રણનીતિ ઘડી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસની બેઠકમાં એક સાંસદે તમામ સાંસદોએ રાજીનામું આપી દેવું જોઈએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જો કે આ પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રિયંકા ગાંધીએ આ બેઠકમાં (Cancel Membership) કહ્યું છે કે કર્ણાટકની ચૂંટણીમાં પુરી તાકાત દેખાડવી પડશે. જો પાર્ટી કર્ણાટકમાં ચૂંટણી જીતશે તો ભાજપને તેનો જવાબ આપોઆપ મળી જશે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું છે કે આગળ શું કરવું તે માટે એક કમિટી બનાવવામાં આવશે. આ પછી કમિટી જ જોશે કે શું નિર્ણય લેવામાં આવે છે. જો કે આ બેઠકમાં રાજ્યની વિધાનસભાઓમાં વિરોધના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

 આ મામલે જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ રાજકીય રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે. સિંઘવીએ તમામ નેતાઓને આ સમયગાળા દરમિયાન લેવામાં આવનાર કાયદાકીય પગલાં વિશે જાણકારી આપી છે. જયરામે વધુમાં કહ્યું કે, ભારત જોડો યાત્રાએ પાર્ટીમાં નવો ઉત્સાહ લાવી દીધો છે. હવે કોંગ્રેસ આ પ્રકારના રાજકારણ પર દેશભરમાં કાર્યક્રમો યોજવાનું વિચારી રહી છે.

કેન્દ્ર સરકાર પર કાયદાકીય સંસ્થાઓ પર દબાણ કરવાનો આરોપ લગાવતા જયરામે કહ્યું કે રાહુલ ગાંધી પર બુલેટ ટ્રેન કરતા પણ ઝડપથી કાર્યવાહી કરવામાં આવી. રાહુલ ગાંધીએ અદાણી મામલે પીએમ મોદી સરકારને ઘેરી, થોડા જ દિવસોમાં તેમને સજા થઈ અને સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું. જયરામ રમેશે જણાવ્યું કે, પાર્ટી સોમવારથી દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે. હાલમાં સમિતિ કાર્યક્રમની તૈયારી કરી રહી છે.

દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે એક અલગ બેઠક થઈ છે, આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા મહત્વપૂર્ણ નેતાઓ સામેલ છે.