Controversy/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોંગ્રેસનો વિવાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોંગ્રેસનો વિવાદ

Top Stories
congres 19 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોંગ્રેસનો વિવાદ

– સરદારના નામે વોટ માગનાર ભાજપે સરદારનું અપમાન કર્યુ : હાર્દીક પટેલ

– દેશમાં નહેરુ-ગાંધી પરિવારના નામે 23 સ્ટેડિયમ : યજ્ઞેશ દવે

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયુ હોવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન વખતે કરી. આ જાહેરાતથી વિપક્ષે રાજકીય વિવાદ ઊભો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સીધો જ આક્ષેપ કર્યો છે કે સરદારસાહેબના નામે મત માગનાર ભાજપે સરદાર પટેલ સ્ટેડિયમનુ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યુ તે દુખદ બાબત છે.

અગાઉ પણ અમાદવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નામ બદલીને અદાણી એરપોર્ટ કરાયુ ત્યારે તેની સામે પણ જનતાએ વિરોધ નોંધાવ્યો હતો. આ રીતે સરદાર સાહેબનુ વારંવાર અપમાન કરીને ભાજપ ગુજરાતની જનતાનું પણ અપમાન કરે છે. એક તરફ સરદારની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સરદારના સ્વમાનને ઊંચુ કરવાનો પ્રયાસ કરાય અને બીજી બાજુ આ રીતે સરદારનુ નામ બદલીને સરદાર અને ગુજરાતની જનતાના સ્વમાનને ઠેસ પહોંચાડાય છે. હાર્દિકે કટાક્ષ કરતા જણાવ્યુ કે અમદાવાદનું નામ બદલીને હવે અમિત શાહ ન થઈ જાય તો જ નવાઈ.

કોંગ્રેસે આ મુદ્દે વિવાદનો સૂર છેડતા ભાજપના પ્રદેશ મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા અને સ્પષ્ટતા  કરતા જણાવ્યુ કે સ્પોર્ટર્સ સંકુલનુ નામ સરદાર પટેલ હતુ અને તે યથાવત જ છે. સરદારની પ્રતિમાને ભંગાર સાથે સરખાવનાર કોગ્રેસને સરદારનુ નામ લેવાનો અધિકાર નથી. હાર્દિક પટેલ માત્ર કહેવાતો પાટીદાર નેતા છે. હાર્દિક પટેલ ઘસાયેલી કેસેટ છે માટે પોતાને પાટીદાર નેતા કહેવડાવવાનું બંધ કરે. હાર્દિકના કોંગ્રેસમાં જાેડાયા બાદ કોગ્રેસના જે હાલ થયા તે સૌ જાણે છે. સરદારનું નામ એ કોંગ્રેસની પેટન્ટ નથી. સરદાર સૌના છે અને કોઈપણ તેનુ નામ લઈ શકે. દેશમાં રાજીવ ગાંધી, ઈન્દીરા ગાંધી અને નહેરુના નામ પર 23 સ્ટેડિયમ છે તેનો જવાબ કોંગ્રેસ પહેલા આપે. હાર્દિકના કોંગ્રેસમાં ગયા પછી મહાનગરપાલિકામાં 145 બેઠકો ધરાવતી કોંગ્રેસ સીધી 55 બેઠકો પર પહોંચી ગઈ છે.