કોંગ્રેસ પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓ હાજર છે. સદસ્યતા અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા આ બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને નવજોત સિંહ સિદ્ધુ પણ સામેલ છે.
16 ઓક્ટોબરે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવા સાથે 1 નવેમ્બરથી કોંગ્રેસ સદસ્યતા અભિયાન ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે 14 થી 29 નવેમ્બર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ ફરીથી રાજ્યની સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે. ગત દિવસોમાં પંજાબ કોંગ્રેસમાં જોરદાર રાજકીય હંગામો થયો હતો, જેના કારણે વિપક્ષને નિશાન સાધવાની તક મળી હતી. પંજાબ કોંગ્રેસ અને ત્યાંની સરકારમાં થયેલા ફેરફારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવીને દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે.
.