કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ/ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહેલા નેતાઓને મનાવવા સિનિયર નેતાઓને મેદાનમાં ઉતરતું કૉંગ્રેસ હાઇકમાન્ડ, બેઠકો નો દોર

પ્રદેશથી લઈને પંચાયત સુધીના સંગઠનના આગેવાનો સાથે બેસી પક્ષ સામેની ફરિયાદો દૂર કરવા અશોક ગેહલોત સહિતના મોટા નેતાઓ પ્રયાસ કરશે

Mantavya Exclusive
કોંગ્રેસ

ગુજરાતમાં ચૂંટણી સમયે જ ભાજપના ભરતીમેળામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો જોડાઈ જતા હોવાથી કોંગ્રેસ ના માળખામાં ગાબડા પડે છે,પરિણામે કોંગ્રેસે પણ હવે મનોમંથન કરી નારાજ નેતાઓને સમજાવવા,સાંભળવા અને સાચવવા માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ પ્રદેશથી લઈને પંચાયત સુધીનું સંગઠનનું માળખું મોટું કરી નેતાઓને સાચવી લેવાની પણ વ્યૂહરચના અપનાવી છે. ડેમેજ કંટ્રોલ માટે કૉંગ્રેસના સીનયર અશોક ગેહલોત ને પણ ચોક્કસ સત્તાઓ સાથે ઓબ્ઝર્વર  બનાવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના તાલુકા જિલ્લાસ્તરે સંગઠન માળખામાં મોટા ગાબડા પડી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડને રેલો આવતા કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય આગેવાનો અને કાર્યકરોને નારાજગી દૂર કરવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નારાજ નેતાઓને મનાવવા માટે ડેમેજ કન્ટ્રોલ ની કવાયત પણ શરૂ કરી છે, તેથી હાલ એવું છે કે, ભાજપની ભરતી ઝુંબેશ સામે કોંગ્રેસની બચાવ ઝુંબેશ ચાલી રહી છે,એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે સીનયર આગેવાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરવા ની લાઈનો લાગી રહી છે, એટલે કે પક્ષપલટાની મોસમ શરૂ થઇ ગઇ છે. જેમાં કોંગ્રેસની સ્થિતિ ફરી એકવાર કફોડી બની ગઈ છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા એ આક્રોશ વ્યક્ત કરતા પોતાની પાર્ટીમાં રહી ચૂકેલા ધારાસભ્યોને કચરો કહી દીધા હતા, કોંગ્રેસ છોડેલા નેતાઓ વિશે રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે જે જીતી શકે તેમ નથી તેવા લોકો પક્ષ છોડીને જઈ રહ્યા છે. અમને ખબર છે કે કોણ કોણ કોંગ્રેસ છોડી રહ્યું છે.  આવા કચરાને લઇને ભાજપ શું કરશે ?

તો, બીજી બાજુ,ગુજરાતમાં તાલુકા જિલ્લા મથકોમાંથી કોંગ્રેસના કાર્યકરો-નેતાઓ કેસરીયા કરી રહ્યા છે તેની અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં પડી શકે છે. આથી કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવાની સુચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે નારાજ નેતાઓને સાંભળી પ્રશ્નનો નિકાલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે કોંગ્રેસના પ્રદેશથી લઈને તાલુકા સ્તર સુધીના માળખાનું વિસ્તરણ અને ફેરફાર કરી નેતાઓને સાચવી લેવાની પણ ફોર્મ્યુલા અપનાવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક ચાલુ અને પૂર્વ ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. ત્યારે કોંગ્રેસની પ્રદેશની નેતાગીરીએ ભાજપમાં જવા ઉતાવળા બનેલા કેટલાયે નેતાઓને ગમે તેમ કરીને મનાવી લેવાની કવાયત આદરી છે અને ખુદ પ્રદેશના નેતાઓ આ આગેવાનો સાથે વાતચીત કરી તેમને મનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં 150થી વધુ બેઠકો મેળવવા ભાજપે શરૂ કરેલી ફાસ્ટ્રેક મોડ ની કામગીરીમાં કૉંગ્રેસના મોટા નેતાઓને પણ ભાજપ માં ભરતી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાજપ સામે જ પાટીદાર આંદોલન કરી કૉંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ બનેલા અને ભાજપ ના કટ્ટર વિરોધી એવા હાર્દિક પટેલને ભાજપમાં એન્ટ્રી મળ્યા બાદ હવે ભાજપમાં ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ જંગી બહુમતીથી ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસ ના મોટા માથાઓના ઓપેરશન કરે તો નવાઈ નહીં.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા ને મુકવામાં આવ્યા બાદ ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓ નારાજ થઈ ને ભાજપ ભેગા થઈ રહ્યા છે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપ પ્રવેશની મોસમ પુરબહારમાં ખીલે છે. અનેક વાડ પર બેઠેલા નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપને ભગવો ધારણ કરે છે. 2002 થી શરૂ થયેલો આ સિલસિલો આજે પણ યથાવત છે. કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ નારાજ આગેવાનો નેતાઓને મનાવવા માટે સ્થાનિક આગેવાનો ઉપરાંત પ્રદેશના ટોચના નેતાઓને દરમિયાનગીરી કરવા માટે કામે લગાડયા છે.

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કેમ ભાજપ માં જાય છે તે અંગે કૉંગ્રેસના હાલના ધારાસભ્યો નામ નહીં આપવા ની શરતે દિલ ખોલીને વાત કરતા પક્ષ સામે આક્રોશ સાથે કહેવા લાગ્યા કે અમારી કાયમથી ફરિયાદ રહી છે કે પાર્ટીના પ્રદેશ નેતાઓ અમને સંકટના સમયે જ યાદ કરે છે, બાકીના સમયમાં અમારી સાથે કોઇપણ જાતનો સંવાદ કરતા નથી. અમારી માગણી રહી છે કે દર બે કે ત્રણ મહિને ધારાસભ્યોને બોલાવીને લોકોના પ્રશ્નોનો કેવી રીતે નિકાલ કરવો તેનું માર્ગદર્શન આપવું જોઇએ.

આ અંગે કોંગ્રેસના બીજા એક સિનિયર ધારાસભ્યએ પણ કહ્યું હતું કે વિપક્ષ જયારે સંકટમાં આવે છે અથવા તો પાર્ટીને જયારે અમારી જરૂર હોય છે ત્યારે બોલાવે છે પરંતુ ધારાસભ્યો સાથે બેઠક કરીને સંવાદ કરવામાં આવે તો કોંગ્રેસ છોડીને કોઇ ધારાસભ્ય ભાજપમાં જાય નહીં. અમારી પાર્ટીમાં સંકલનનો મોટો અભાવ છે.ધારાસભ્યોની અવગણનાના કારણે વિપક્ષની સંખ્યા સતત ઘટતી જાય છે.

એટલું જ નહીં કોંગ્રેસ ની વિચારધારા સાથે સંકળાયેલા અને કૉંગ્રેસમાંથી ટિકિટ મેળવી આપબળે જીતેલા ધારાસભ્યો એ બળાપો કાઢતાં કહ્યું હતું કે ગુજરાતમાં આજે એવી સ્થિતિ એ છે કે વિપક્ષ કોંગ્રેસનું વિધાનસભામાં ચાલતું નથી. સત્તાધારી પાર્ટી વિપક્ષને સભાગૃહમાં બોલવાનો મોકો આપતી નથી. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી પરંતુ પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓના કારણે કોંગ્રેસે ધારાસભ્યો ગુમાવવા છે. ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતા તેમને ભાજપે તેની પાર્ટીમાં ભેળવી દીધા છે અને કોંગ્રેસને એક પછી એક ફટકા આપ્યા છે. કોંગ્રેસ મુકત ગુજરાત કરવાના ખ્વાબ ભાજપ આ રીતે પૂરા કરી રહી છે.