બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલ થઈ રહિ છે, સીટ સમજૂતીને લઈને નીતિશ કુમાર અને આરજેડી વચ્ચે મતભેદ જોવા મળી રહ્યાં છે આરજેડીએ લોકસભા ચૂંટણી માટે વધુ બેઠકોનો દાવો કર્યા પછી આ તિરાડો ઉભી થઈ છે, અને પક્ષના સભ્યો સરકારના દરેક નિર્ણયોને પ્રભાવિત કરી રહ્યા છે. તો લાલુ પ્રસાદની આગેવાની હેઠળની આરજેડીએ તેની સ્થિતિ જાણવા માટે રાજ્યની 40 લોકસભા બેઠકો પર સર્વે કરવા માટે એક એજન્સીને પણ હાયર કરી છે.
બિહારમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. નીતિશના આરજેડી સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે આરજેડીના વડા લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી છે જેને નીતિશ પર હુમલો માનવામાં આવી રહ્યો છે. રોહિણીની આ પોસ્ટ બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. બીજી તરફ નીતિશ કુમારે પણ રોહિણી આચાર્યની પોસ્ટની માહિતી માંગી છે. તો ભાજપના સૂત્રોએ દાવો કર્યો છે કે નીતિશ મુખ્યમંત્રી પદ છોડશે તો જ તેમને સ્વીકારવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સ્પષ્ટપણે માને છે કે તે નીતિશને ફરીથી સીએમ તરીકે સ્વીકારી શકે નહીં. નીતીશ રાજીનામું આપે અને ભાજપને સીએમ પદ મળે તો જ સમાધાન શક્ય છે. જો નીતીશ સીએમ સોંપવા માટે સંમત ન થાય તો વિધાનસભા ભંગ કરવાનો એકમાત્ર વિકલ્પ રહેશે. જો આમ થશે તો લોકસભા ચૂંટણીની સાથે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધન વેન્ટિલેટર પર છે. નીતીશ કુમાર ટૂંક સમયમાં આરજેડી સાથે ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિણીના ટ્વીટ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જો નીતીશ સીએમ પદ નહીં છોડે તો તેઓ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે.
ત્યારે હવે સવાલ એ થાય છે કે શું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનથી અંતર વધારી રહ્યા છે ? બિહારની રાજનીતિમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે ઈન્ડિયા એલાયન્સના આર્કિટેક્ટ નીતિશ કુમાર હવે પોતાના વિચારો બદલી રહ્યા છે. આ અટકળો તાજેતરના વિકાસ સાથે જોડાયેલી છે. નીતીશ કુમાર બિહારમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ નહીં લે તેવા સમાચાર આવ્યા ત્યારે આ વાતની વધુ પુષ્ટિ થતી જણાઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ છે.એક તરફ દેશ અને રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનો રાજકીય શ્રેય લેવાની સ્પર્ધા ચાલી રહી છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતો નીતિશ કુમારના વલણને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મનમાં શું છે? આ પ્રશ્ન હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે અને આ દિવસોમાં બિહારનું રાજકીય વાતાવરણ કંઈક અંશે યથાવત્ છે. આ જ કારણ છે કે નીતીશ કુમારના ‘મન’ને સમજવા માટે રાજકીય વર્તુળોમાં અટકળો અને પ્રયાસો ચાલી રહ્યા છે. આટલું જ નહીં, છેલ્લા દિવસોમાં નીતિશ કુમારે આવા ત્રણ સંકેતો પણ આપ્યા છે, જેનાથી ફરી એકવાર તેમના દ્વારા મોટું પગલું ભરવાની અટકળો તેજ થઈ ગઈ છે. આવો જાણીએ કે આ ત્રણ સંકેત ક્યા છે. …
પહેલો સંકેત છે, રાજ્યપાલને અચાનક મળવા પહોંચવું, મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે અચાનક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેમની મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી, અને આ ઘટનાક્રમે રાજકીય અટકળોને વેગ આપ્યો હતો. હવે સવાલ એ છે કે નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન કેમ ગયા.
તો બીજો સંકેત છે સોશિયલ મીડિયા પર ડિલીટ કરેલી પોસ્ટ, નીતિશ કુમાર વિશે જે અટકળો લગાવવામાં આવી રહી છે તેનો વધુ એક સંકેત તેમની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કરવામાં આવી રહ્યો છે. નીતિશે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના નિર્ણયને લઈને મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક સંદેશ શેર કર્યો હતો. તેમણે આ પોસ્ટને દોઢ કલાકમાં ડિલીટ કરી દીધી અને પછી નવી પોસ્ટ શેર કરી હતી, એક તરફ તેમની પોસ્ટનાં સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ પણ થાય છે કે નીતિશની આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું હતું?
ત્રીજું છે નેપોટિઝમ પર નિશાન, નીતીશ કુમાર તેમની જન્મજયંતિના અવસરે બુધવારે પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરના વતન ગામ સમસ્તીપુરના કર્પૂરીગ્રામ પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકારણમાં ભત્રીજાવાદને નિશાન બનાવ્યો. આ સાથે તેમણે એવી ઘણી વાતો કહી, જે ત્રીજો સંકેત આપે છે કે નીતિશ કુમાર કોઈ મોટું પગલું ભરી શકે છે.
તો બીજી તરફ બિહારમાં કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પર પણ રાજનીતિ તેજ બની છે, જનનાયક કર્પૂરી ઠાકુરની જન્મશતાબ્દી નિમિત્તે બુધવારે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ મુખ્યમંત્રીની જન્મજયંતિની ઉજવણી માટે ત્રણ મહિના પહેલા આરક્ષિત કરાયેલ મિલર સ્કૂલનું મેદાન આપવામાં આવ્યું ન હતું, અને જેડીયુના કાર્યકરોને રહેવા માટે શાળાના મેદાનમાં ટેન્ટ બાંધવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ પછી, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ જાહેરાત કરી કે હવે તેઓ રસ્તાની વચ્ચે જનનાયકની જન્મજયંતિ ઉજવશે, પ્રશાસન અને સરકારને રોકવી હોય તો રોકો. તેમની જાહેરાત મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખે વીરચંદ પટેલ પંથક ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ રસ્તાને મેદાન અને ટ્રકને સ્ટેજ બનાવી દીધું હતું. ત્યારે તે મંચ પરથી નેતાઓએ ગર્જના કરી હતી .
ભાજપના હજારો કાર્યકરોએ રસ્તા પર જ ખુરશીઓ મૂકીને ઊભા રહીને ભાષણ સાંભળ્યું હતું. ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમને કારણે વહીવટીતંત્રે રસ્તાની એક લાઈન બંધ કરી દીધી હતી. બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ કરાયો હતો, આ દરમિયાન રસ્તા પર બનેલા સ્ટેજ પરથી ભાજપના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વિધાન દળના નેતા વિજય સિંહા, વિપક્ષના નેતા હરિ સાહની, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, રામકૃપાલ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ અને રેણુ સહિત મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા. દેવી તથા અન્ય હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજેપી નેતાઓએ કહ્યું કે અમે આ કાર્યક્રમ માટે મિલર સ્કૂલ ગ્રાઉન્ડ બુક કરાવ્યું હતું, પરંતુ કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે તે મેદાન જેડીયુ માટે 23 જાન્યુઆરીએ બુક કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણપણે ખોટું છે. ભાજપના નેતાઓએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે જનનાયકને ભારત રત્ન આપીને બિહારના 36 ટકા સૌથી પછાત લોકોને સન્માનવાનું કામ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિશ કુમાર 30 જાન્યુઆરીએ પટનામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. આના એક દિવસ પહેલા, 29 જાન્યુઆરીએ રાહુલ ગાંધી બિહારની મુલાકાત લેશે અને સીમાંચલના પૂર્ણિયા, કટિહાર, અરરિયા અને કિશનગંજ જિલ્લામાં થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે અગાઉ કોંગ્રેસે દાવો કર્યો હતો કે નીતીશ કુમાર રાહુલ ગાંધીની મુલાકાતમાં ભાગ લેશે. પરંતુ, હવે જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ નીતિશ કુમાર તે દિવસે પટનામાં હશે.
તો કર્પુરી ઠાકુરની જયંતિના અવસરે જેડીયુની રેલીમાં નીતિશ કુમારે સીધો પરિવારવાદ પર નિશાન સાધ્યું. આ મહાગઠબંધનથી દૂરી અંગેના સમાચારોની પુષ્ટિ કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ભાજપ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંનેને ભત્રીજાવાદના મુદ્દે સતત ઘેરી રહી છે. નીતિશ કુમારે અહીં રાજકારણમાં ભત્રીજાવાદ પર નિશાન સાધ્યું. આ સાથે તેમણે ઘણી એવી વાતો કહી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે મહાગઠબંધનથી તેમનું અંતર વધી રહ્યું છે.
જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના મનમાં શું છે તે કોઈ જાણતું નથી. પરંતુ, નીતિશ કુમારનો જે પ્રકારનો રાજકીય ઈતિહાસ છે તે ચોંકાવનારો રહ્યો છે. તેમણે ઘણી વખત ‘મોટા પગલાં’ લીધા છે. લગભગ દર વખતે, તેમના ‘મોટા નિર્ણયો’ના 15-20 દિવસ પહેલા, રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વધી રહી છે. હવે આવનારા સમયમાં બિહારના રાજકારણમાં કોઈ મોટો બદલાવ આવશે કે કેમ તે કહી શકાય નહીં.